Train – plane fares Hike : દિવાળીની રજાઓ પહેલાં ટ્રેન અને પ્લેનના ભાડામાં ધરખમ વધારો, વેઇટિંગ લિસ્ટ થયું લાંબુ

દિવાળીના તહેવારોની રજાઓ નજીક છે અને અમદાવાદથી મુસાફરી માટેના વિમાન અને ટ્રેનના ભાડામાં વધારો નોંધાયો છે. ટ્રેનની ટિકિટમાં કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ અમદાવાદ-દિલ્હી માટેનું વન-વે વિમાન ભાડું 25,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે,
જે સામાન્ય દિવસોમાં લગભગ 4,500 રૂપિયા આસપાસ હતું. આ ઉપરાંત, 18 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનમાં ‘રિગ્રેટ’ એટલે કે ટિકિટ માટે અક્ષમતા દર્શાવામાં આવી છે. ઘણી ટ્રેનમાં ટિકિટની ઉપલબ્ધતા ખૂબ જ ઓછી છે.
જુલાઈથી બુકિંગમાં ધસારો
18 ઓક્ટોબરથી દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, અને એ વાતને ધ્યાનમાં રાખતાં જુલાઈથી બુકિંગમાં ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં આશ્રમ એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસમાં ‘રિગ્રેટ’ દર્શાવાયું છે.
રાજધાની એક્સપ્રેસમાં 225 લોકોનું વેઇટિંગ લિસ્ટ છે. અન્ય શહેરો, જેમ કે અયોધ્યા અને વારાણસી માટે પણ ફ્લાઇટ્સના ભાડામાં મોટો વધારો જોવા મળ્યો છે. અયોધ્યાનું એરફેર 18,000 રૂપિયા અને વારાણસીનું 22,000 રૂપિયા છે. ટ્રેનમાં પણ વારાણસી માટે 131 લોકોનું વેઇટિંગ છે.
ટ્રેનમાં મોટું વેઇટિંગ
માહિતી મુજબ રજાઓના સમયમાં મોટાભાગની ટ્રેનમાં ટિકિટ ઉપલબ્ધતા મર્યાદિત છે અને કોલકાતા તરફ જતી ટ્રેનમાં તો વેઇટિંગ 200 સુધી પહોંચી ગયું છે. ઘણા ટ્રાવેલ એજન્ટો અને એરલાઈન્સ ટિકિટ બ્લોક કરી રાખે છે અને જરૂરિયાત મુજબ ભાવમાં વધારો કરે છે.
એજન્ટોએ જણાવ્યું કે, આ વર્ષની સરખામણીમાં ગયા વર્ષે તેમની ગણતરીઓ ખોટી પડી હતી. ગયા વર્ષે દિવાળીના દિવસોમાં ડિસ્કાઉન્ટ પર ટિકિટ વેચવા કાઢવી પડી હતી અને તેમનો ફાયદો ઘટી ગયો હતો.