![OMG આખરે બે વર્ષે ઘરમાં વાગી કૂકરની સીટી! જાણો કારણ OMG આખરે બે વર્ષે ઘરમાં વાગી કૂકરની સીટી! જાણો કારણ](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/08/31/r3eyMk6qmd5rX887ZzZEGG7tEhDK2H6oVKy76Ikv.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
- હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે
- એક ગ્રાહકે 2 વર્ષ પહેલા ઓર્ડર કરેલું કૂકર ખૂબ જ ચર્ચામાં છે
- આ કૂકર ગ્રાહકે 2022માં અમેઝોન પર ઓર્ડર કર્યું હતું
સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈને કંઈ એવું જોવા મળે છે કે લોકો હેરાન થઈ જાય છે. આવી જ એક પોસ્ટ હાલમાં ઝડપથી વાયરલ થઈ રહી છે, જે એમેઝોનની લેટ ડિલિવરીનું પ્રમાણ દર્શાવે છે. આ પોસ્ટમાં એક વ્યક્તિએ જણાવ્યું કે એમેઝોન પરથી ઓર્ડર કર્યાના બે વર્ષ બાદ તેને પ્રેશર કુકર ડિલિવરી કરવામાં આવી હતી.
જય નામના ગ્રાહકે એક્સ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેને જણાવ્યું કે આખરે એમેઝોને તેનો બે વર્ષ જૂનો ઓર્ડર ડિલિવરી કરી દીધો છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
2 વર્ષ પછી ઘરે આવ્યું કૂકર
પોસ્ટ મુજબ જયએ સમગ્ર ઘટના જણાવી. તેને 1 ઓક્ટોબર, 2022ના રોજ એમેઝોન પરથી પ્રેશર કૂકર મંગાવ્યું હતું. પરંતુ બાદમાં તે કેન્સલ થઈ ગયું અને તેને રિફંડ પણ મળી ગયું. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે 28 ઓગસ્ટ, 2024 ના રોજ, લગભગ બે વર્ષ પછી, તે જ પેકેજ તેના ઘર સુધી પહોંચ્યું.
જયએ એક્સ પર પોસ્ટ કર્યું, “2 વર્ષ પછી મારો ઓર્ડર પહોંચાડવા બદલ એમેઝોનનો આભાર!” જયએ આગળ લખ્યું કે આજે મારો રસોઈયો ખુશ છે, આ એક ખૂબ જ ખાસ પ્રેશર કૂકર હશે. આ પોસ્ટની સાથે, જયએ ઓર્ડર અને ડિલિવરીનો સ્ક્રીન શોટ પણ પોસ્ટ કર્યો.
સોશિયલ મીડિયા પર કોમેન્ટનો વરસાદ
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. કોઈએ તેને એમેઝોનની ટાઈમ ટ્રાવેલ ગણાવી, તો કોઈએ મજાકમાં લખ્યું છે કે એમેઝોનનો નવો ફાસ્ટ ડિલિવરી પ્લાન 2 વર્ષ પછી ચોક્કસપણે ઉપલબ્ધ થશે. એક યુઝરે મસ્તી કરતા કહ્યું કે આ બિરબલની ખીચડીની ડિલિવરી છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે આ કૂકર મંગળ પર બનેલું હોવું જોઈએ. ફની કોમેન્ટની સિરીઝ અહીં અટકી નથી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે – કદાચ તે ખૂબ જ કુશળ કારીગરોએ હાથથી બનાવ્યું હશે એટલે મોડું થઈ ગયું.
એમેઝોને હજુ સુધી જયની પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલીવાર નથી કે જ્યારે મોડી ડિલિવરી અંગે આવી ફરિયાદ કરવામાં આવી હોય આ પહેલા પણ સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં લોકોએ જણાવ્યું છે કે ઈ-કોમર્સ વેબસાઈટ ઓર્ડરના ઘણા વર્ષો પછી ડિલિવરી કેવી રીતે મોકલે છે.