Surendranagar ડેમ પાસે ખમીયાણા,શેખપરની સીમમાં પાણીમાં હોડકાં દ્વારા ખુલ્લેઆમ રેતી ચોરીનો ખેલ
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની ખમીયાણા, શેખપર ગામની સીમમાં નદીમાં પાઇપો ગોઠવી હોડકા દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી થવાના કારણે પાણીના તળ ઉંડા જઇ રહયા છે અને ઉંડી ખાણ થવાના કારણે ડુબી જવાનો પણ ડર લાગી રહયો છે. ઓવરલોડ રેતી ભરેલા ખુલ્લેઆમ હાઇવે ઉપરથી ડમ્પરો નીકળતા હોવા છતાય તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાથી મિલીભગતની આશંકા સેવાઇ રહી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર અંતરિયાળ વિસ્તારોમાં કાર્બોસેલની ખનીજ ચોરી અટકાવવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર-મૂળી હાઇવેની એકદમ નજીક મૂળી તાલુકાના ખમીયાણા-શેખપર ગામની સીમની નદીમાં ખુલ્લેઆમ બેરોકટોક ગેરકાયદેસર રેતીની ખનીજ ચોરી થઇ રહી છે. ધોળીધજા ડેમમાં ચારે તરફ બારેક જેટલા હોડકા પાણીમાં પાઇપલાઇન સાથે ગોઠવી રેતીનો સંગ્રહ કરી ડમ્પર દ્વારા વોશ પ્લાન્ટમાંથી લઇ જવાઇ રહી છે. આ હોડકા પાઇપો ગોઠવી રેતી ચોરી કરતો નજારો ફિલ્મી દ્રશ્યો જેવો દેખાઇ રહયો છે. આ રેતી ડેમના પાણીમાંથી ઓવરલોડ ડમ્પરોમાં ભરીને હાઇવે ઉપરથી વોશ પ્લાન્ટ સુધી પહોંચાડી મોટા શહેરોમાં સોનાના ભાવે મીઠા પાણીની આ રેતીનો વેપલો થઇ રહયો છે. ગેરકાયદેસર રેતીચોરીના કારણે પાણીના તળ નીચા જઇ રહયા છે. બીજી તરફ રેતી ઉપાડેલી જગ્યાએ પાણીમાં મોટા ખાણ જેવા ઉંડા ખાડા પડી જવાના કારણે અચાનક પાણીમાં જવાથી ડુબીને મોત થવાની પણ શકયતા સેવાઇ રહી છે. ખમીયાણા તરફથી પણ નદીમાં હોડકા દ્વારા લીઝ રોયલ્ટી વગર ખુલ્લેઆમ રેતી ખનન થઇ રહી છે. આમ હાઇવેથી ડેમ સુધીનો કારખાના વિસ્તારનો રસ્તો તદ્ન બિસ્માર અને ઉંડા ચીલાવાળો કરી નાંખતા સ્થાનીક કારખાનેદારો પણ મુશ્કેલીમાં મુકાઇ રહયા છે. એમ છતાંય મૂળી મામલતદાર કે પોલીસ દ્વારા ખુલ્લેઆમ થતી ખનીજ ચોરી બંધ નહીં કરાવાતા મિલીભગતની આશંકા સેવાઇ રહી છે. સાથે ગામની સીમમાં ખુલ્લેઆમ ખનીજચોરી થતી હોવા છતાંય તંત્રને જાણ ન કરાતા મૂળીના ભેટ અને થાનના વેલાળા(સા)ના સરપંચને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. એવા સમયે ખુલ્લેઆમ રેતી ચોરી થતી હોવા છતાંય તંત્રને જાણ ન કરતા ડીડીઓ શેખપર, ખમીયાણાના સરપંચ સામે કેવા પગલાં લે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.
રેતી ચોરીમાં બધું જ ગેરકાયદેસર મૂળી તાલુકાના ખમીયાણા-શેખપર સીમના ડેમનાં પાણીમાં હોડકા-પાઇપો ગોઠવી ફિલ્મી ઢબે રેતી ચોરી થઇ રહી છે ત્યારે અહી રોયલ્ટી લીઝ વગર ખુલ્લેઆમ ડમ્પર હાઇવે ઉપર દોડી રહયા છે.
પાણીમાં હોડકાં વધતાં જ જાય છે, છતાંય તંત્રને દેખાતું નથી | ખમીયાણા-શેખપરની સીમમાં ડેમના પાણીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરવા માટે દિનપ્રતિદિન હોડકામાં વધારો થતો જાય છે. બારેક હોડકા દ્વારા રેતીનું છડેચોક ખનન કરાઇ રહયુ હોવા છતાંય તંત્રને દેખાતુ ન હોવાથી મિલીભગતની આશંકા સેવાઇ રહી છે.
પાણીનાં તળ ઊંડા જાય તેમ જોખમ વધે છે | નદીમાં ગેરકાયદેસર રેતી ચોરીના કારણે રેતી ઘટવાના કારણે પાણીનો સંગ્રહ ઘટતો જાય છે. જેથી આજુબાજુના ખેડૂતોને મુશ્કેલી પડે અને ઉંડા ખાડાઓ પડવાના કારણે પાણીમાં લોકોને ડુબી જવાનો ભય વધી જાય છે.
સરકારી તિજોરીને પણ ભારે આર્થિક ફટકો
લીઝ કે રોયલ્ટી વગર રેતી ભરવાના કારણે લીઝ વાળી રેતીનું વેચાણ ઓછુ થાય અને ગેરકાયદેસર રેતીનું સતત વહન થતુ હોવાના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પણ વેઠવુ પડે છે.
Source link