Surat accident ; ટ્રકનું સ્ટેરિંગ લોક થઈ જતાં સર્જાયો અકસ્માત, ફસાયેલા ડ્રાઈવરને કાઢવા ક્રેઈન બોલાવી પડી

માંગરોળ તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર શુક્રવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઇસર ટેમ્પાનું સ્ટેરિંગ લોક થઈ જતાં તે રસ્તા પર ઊભું રહી ગયું, ત્યારે પાછળથી પૂરજોશમાં આવી રહેલી આઇસર ટ્રક ધડાકાભેર અથડાઈ ગઈ.
જોરદાર અથડામણ બાદ ટ્રકની કેબિન ચકનાચૂર થઈ જતા ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને ક્રેઈનની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો.
ટેમ્પાના ચાલકને અકસ્માતમાં પગમાં ગંભીર ઈજા થતા ફ્રેક્ચર થયું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
દારૂ ભરેલી કારમાં આગ લાગતાં ખળભળાટ
બીજી બાજુ, વલસાડ જિલ્લાના પારડી અને અતુલ વચ્ચે હાઈવે પર દારૂ ભરેલી કારમાં આગ લાગતાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈથી સુરત જતી આ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ઘટનાસ્થળે તપાસ કરતા કારની આગળ-પાછળ અને સીટની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.