શહેરના કોયલી ખાતે આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની રિફાઈનરીમાં લાગેલી આગની ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કલેકટરે આ તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને સોંપી છે.
11 નવેમ્બરે આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બની હતી
વડોદરા ગ્રામ્ય પ્રાંત કચેરી દ્વારા એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આઇ.ઓ.સી.એલ (ગુજરાત રીફાઇનરી)ના પ્લાન્ટમાં ગઈ 11 નવેમ્બરના રોજ આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલીયમ અધિનિયમ-1934ની કલમ-28 મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-196 હેઠળ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
તપાસ વડોદરા ગ્રામ્યની કોઠી કચેરી ખાતે થશે
આ અંગેની તપાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા 26 નવેમ્બર 2024ના રોજ તેમની કચેરીમાં સવારના 11થી બપોરના 1 કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. તપાસ માટેનું સ્થળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્યની કચેરી કોઠી કચેરી, રાવપુરા વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે.
આગની ઘટના અંગે કોઈ હકીકત કે વિગતો વડોદરા ગ્રામ્ય પ્રાંતને આપવા સૂચના
જેથી જ કોઈ હિત સંબંધ ધરાવતા લોકો આઈ.ઓ.સી.એલ (ગુજરાત રીફાઈનરી)માં થયેલ આગની દુર્ઘટના અંગે કોઈ પણ વિગત જાણતા હોય અથવા તો બનાવ સંબંધી હકીકત રજુ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા કે હકીકતો રજુ કરવા જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં IOCLમાં બનેલી આગકાંડમાં 2 વ્યક્તિના મોત થયા હતા અને ત્યારબાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કંપનીના ગેટ પાસે મૃતકોના પરિવારજનોએ ધરણા કર્યા હતા. ન્યાયની માગ સાથે કંપનીના ગેટ બહાર ધરણા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પરિવાર અને ગ્રામજનો તેમાં જોડાયા હતા. પરિજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો નિર્ધાર કર્યો હતો.
30થી વધુ ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી
ત્યારે IOCL રીફાઈનરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવી પડી હતી અને 30થી વધુ ફાયર ફાયટરની મદદથી આગ કાબૂમાં લેવામાં આવી હતી. બેન્ઝીન કેમિકલ ટેન્કમાં આગથી 2 લોકોના મોત થયા હતા, IOCLમાં એક બાદ એક એમ 2 બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા હતા. ત્યારે અન્ય 3 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
Source link