અમદાવાદ જિલ્લામાં ગત માસે ધોધમાર વરસાદ બાદ હવે ભાદરવો માસ પણ ખરો તપ્યો છે અને રાજ્યના કેટલાંક શહેરો, જિલ્લાઓમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.
ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય તાલુકા વિસ્તારોમાં પણ તાવ-તરીયાના કેસો, ટાઈફોઈડ સહિતના કેસો તેમજ શરદી-ઉધરસ, વાયરલ ઈન્ફેક્શન સહિતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યના માંડલ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેવડી મોસમ અને નર્કાગારની સ્થિતિથી રોગચાળો છેલ્લાં કેટલાક દિવસોથી વકર્યો છે.
માંડલ વિસ્તારમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ટ્રેન્ટ, વિઠ્ઠલાપુર અને સીતાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય દિવસો કરતા છેલ્લાં દસેક દિવસથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. માંડલ શહેરની સીએચસી સેન્ટરમાં પ0થી 70 મીનીમમ અને ક્યારેક 100 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. વરસાદ પછીની ભાદરવા માસની સીઝનમાં ગરમીએ પણ ભુક્કા કાઢયા છે. તો બીજીબાજુ હવમાન ખરાબ અને વાયરલ ઈન્ફેક્શનના કેસો આ માસની અંદર જોવા મળે જ એવો તબીબોનો પણ મત છે. શહેરના સીએચસી સેન્ટર અને ગ્રામ્યની પીએચસીઓમાં પણ દરરોજ તાવ-તરીયાના, ટાઈફોડ તેમજ શરદી-ઉધરસ, ડાયેરીયા-ઉલ્ટી અને ઈન્ફેક્શન સહિતના નોંધપાત્ર કેસો જોવા મળી રહ્યાં છે. સતત વધી રહેલાં દર્દીઓની સંખ્યાથી શહેરની લેબોરેટરીઓમાં પણ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ લોકો દવા-સારવાર લઈ રહ્યા છે. વરસાદ પછીના ભરાયેલાં જુના પાણી, કાદવ-કીચડ અને એમાં થતાં મચ્છરોના ઉપદ્રવને દુર કરવા લોકમાગણી છે. ત્યારે બીજી બાજુ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પંચાયતોએ પણ જનસુખાકારી માટે શેરી, મહોલ્લાઓ તેમજ સોસાયટી વિસ્તારો, જાહેર રોડ રસ્તાઓ અને સાર્વજનિક સંસ્થાઓ, કેમ્પસોમાં દવાઓનો છંટકાવ કરવો પણ જરૂરી છે.
Source link