NATIONAL

કોલકાતા દુષ્કર્મ-હત્યા સામે ડૉક્ટર આલમમાં આક્રોશ : ઓપીડીનો બહિષ્કાર, દર્દીઓ પરેશાન

  • નાના-મોટા તમામ શહેરોમાં રેલી, સૂત્રોચ્ચાર, ધરણા, બેનર ફરકાવાયા, સરકારી, ખાનગી હોસ્પિટલમાં અસર
  • અમદાવાદમાં 30 હજારથી વધુ ડૉક્ટરો ઓપીડીથી અળગા રહ્યા, પ્લાન્ડ સર્જરી રદ કરાતા દર્દીઓ હેરાન થયા
  • શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીનો બહિષ્કાર કરીને ડૉક્ટરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો

કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની જઘન્ય ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ડૉક્ટરોના સંગઠન આઈએમએ દ્વારા પણ કામથી અળગા રહીને વિરોધ વ્યક્ત કરવાનું એલાન કરાયું હતું. આજે અમદાવાદ શહેર સહિત સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીનો બહિષ્કાર કરીને ડૉક્ટરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે સવારે છ વાગ્યાથી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા કરાયેલા એલાનના પગલે શનિવારે ખાનગી હોસ્પિટલોના 30,000 થી વધુ ડૉક્ટરો ઓપીડી સેવાથી સળગા રહ્યા હતા. તબીબોએ ફક્ત ઈમરજન્સી કેસમાં સારવાર કરી હતી પરંતુ પ્લાન્ડ તમામ સર્જરી રદ કરતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી તબીબોએ રેલી યોજી હતી. સવારે 10:30 કલાકે યોજાયેલી રેલીમાં 1,000 જેટલા તબીબો સામેલ થયા હતા. એ પછી સાંજે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે 600થી વધુ ડૉક્ટરો ભેગા થયા હતા અને આશ્રામ રોડ ખાતે તબીબોએ માનવ સાંકળ રચી શાંતિપૂર્ણ દેખાવ યોજ્યા હતા. જેમાં તબીબી સ્ટાફ્ને જરૂરી સુરક્ષા પૂરી પાડવા સહિતની માંગણીઓ દોહરાવી હતી. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 2,500થી વધુ સર્જરીઓ કેન્સલ થઈ છે. 3,000થી વધુ દર્દીને ઈમરજન્સી સારવાર આપવામાં આવી છે.

 સોલા સિવિલ હોસ્પિટલ તંત્રનો દાવો છે કે શનિવારે રાબેતા મુજબ 700 જેટલી ઓપીડી રહી હતી. વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાથી કોઈ તકલીફ્ પડી નથી. બીજી તરફ્ સૂત્રો દાવો કરે છે કે જુનિયર તબીબોની હડતાલને પગલે પ્લાન્ડ ઓપરેશન રદ કરવા પડયા હતા. સિવિલ હોસ્પિટલમાં શનિવારે અડધો અડધ જેટલા ઓપરેશનો રદ થયા છે. સામાન્ય રીતે શનિવારે અડધો દિવસ જેટલો સમય કામગીરી થતી હોય છે જેમાં 40 થી વધુ ઓપરેશન કે સર્જરી થાય છે. તેના બદલે આજે શનિવારે 22 જેટલી સર્જરી થઈ હતી. સોમ થી શુક્રના સામાન્ય દિવસોમાં રોજ 100થી વધુ સર્જરી થતી હોય છે. શનિવારે 2,200 આસપાસ ઓપીડી રહેતી હોય છે. ગત શનિવારે 2,229 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આજે હડતાલ વચ્ચે ઓપીડીમાં 1,800 જેટલા દર્દી નોંધાયા હતા. સોમ થી શુક્ર એમ સામાન્ય દિવસોમાં રોજની ઓપીડી 3,500 આસપાસ રહેતી હોય છે. જુનિયર ડૉક્ટરોની હડતાલના કારણે સિવિલમાં એકંદરે પ્લાન્ડ ઓપરેશનને અસર થઈ છે. સિવિલમાં જુનિયર ડૉક્ટરોએ આજે બીજા દિવસે ઓપીડી કામકાજથી અળગા રહ્યા હતા. જ્યારે ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી. તબીબી વિદ્યાર્થીઓએ સુરક્ષા નહિ તો સેવા નહીંના સૂત્રો સાથે દેખાવો યોજ્યા હતા.

સિવિલમાં મહિલા ડૉક્ટર માટે શી ટીમની તૈનાતી

સિવિલ હોસ્પિટલ તંત્રનો દાવો છે કે સુરક્ષા માટેના પગલાં લેવાયા છે. હોસ્પિટલ કેમ્પસમાં જ્યાં અંધારપટ છે ત્યાં લાઈટો ચાલુ કરાવી છે. જુના ટ્રોમા સેન્ટર પાસેની કેન્ટીન બંધ કરાવી છે. કારણ કે ત્યાં અસામાજિક તત્વો બેસી રહેતા હતા. રાતે પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત છે. મહિલા ડૉક્ટર ઈમરજન્સીમાં જાય તો શી ટીમ સાથે જશે. મોડી રાતે મહિલા કર્મચારીને ઘરે જવામાં પણ આ ટીમ મદદ કરશે.

તબીબોની હડતાળ, રાજકોટમાં રોષપૂર્ણ રેલી, સુરક્ષાની માગ

કોલકત્તાની આર.જી.કર મેડિકલ કોલેજમાં મહિલા રેસીડેન્ટ ડોકટર પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારવાની ગોઝારી ઘટનામાં રાજકોટમાં સતત બીજા દિવસે પણ તબીબોએ વિરોધ દર્શાવ્યો છે. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન, આયુષ મેડિકલ એસોસિયેશન અને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનના તબીબો પણ જોડાયા હતા. હજારોની સંખ્યામાં ડોકટરોએ મેડિકલ કોલેજથી હાથમાં કાળી રીબીન બાંધી પ્લે કાર્ડ્સ સાથે રોષપૂર્ણ રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. ખાનગી હોસ્પિટલોમાં OPD અને નોન-ઇમરજન્સી સેવાઓ બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આ અંગે રાજકોટ IMA પ્રમુખે કહ્યુ હતું કે, ‘રેસિડેન્ટ ડોક્ટર્સના વિરોધને IMA દ્વારા સમર્થન આપી એક દિવસ તબીબો પણ OPD અને સર્જરીથી દૂર રહ્યા હતા. આજે આખા ભારત દેશમાં 60 ટકા મહિલા તબીબો સેવા આપે છે અને 40 ટકા પુરૂષ તબીબો સેવા આપે છે માટે તેમની સુરક્ષા હોવી ખુબ જ જરૂરી છે. સરકાર કે કોઈ રાજકીય પક્ષ સામે વિરોધ નથી પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવવા, આરોપીઓને કડકમાં કડક સજા કરાવવા અને ફરી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો વિરોધ નોંધાવી રહ્યા છીએ. આજે રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે IMAના સભ્યો મળી કુલ 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા અને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.’

અમરેલીમાં ડૉક્ટરોની રેલીમાં બંદૂક બતાવનાર IMAના પ્રમુખ સામે એફઆઈઆર

અમરેલી : અમરેલીમાં મેડિકલ છાત્રોની રેલીમાં આઈએમએના પ્રમુખે બંદૂક કાઢીને ભાષણ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મેડિકલ છાત્રો દ્વારા કેન્ડલ માર્ચમાં રાજકમલ ચોક ખાતે રાત્રિના IMA અમરેલી જિલ્લાના પ્રમુખ તથા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડૉ.જી. જે. ગજેરાએ પોતાની લાઈસન્સવાળી બંદૂક બતાવી હતી લાઈસન્સની શરતોનો ભંગ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button