મુલતાનના મેદાન પર બે ઈંગ્લિશ બેટ્સમેનોએ તોફાન મચાવ્યું હતું. પાકિસ્તાનના બોલરોની એવી ધોલાઈ કરી, જે વર્ષો સુધી યાદ રહેશે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 823 રન બનાવ્યા હતા. એટલે કે 823 રન આપવા છતાં યજમાન ટીમના બોલરો તમામ વિકેટો લઈ શક્યા ન હતા. હેરી બ્રુક અને જો રૂટની જોડીએ પાકિસ્તાનના બોલરોને ઘૂંટણિયે લાવ્યા હતા. જ્યારે બ્રુકે ત્રેવડી સદી ફટકારી હતી, તો રૂટે પણ 262 રન બનાવીને વિપક્ષી ટીમનો દોર ખોલી નાખ્યો હતો. ઈંગ્લેન્ડની આ જોડીએ 67 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
રૂટ-બ્રુકે મુલતાનમાં મચાવી તબાહી
ટેસ્ટના ચોથા દિવસે જો રૂટ અને હેરી બ્રુકે પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી. રૂટ અને બ્રુક પહેલા પાકિસ્તાનના બોલરો દિવસની શરૂઆતથી જ સ્ટ્રગલ કરચા જોવા મળ્યા હતા. રૂટે ટેસ્ટ ક્રિકેટની છઠ્ઠી બેવડી સદી પૂરી કરી. બ્રુકે પણ બીજા છેડેથી ધમાકો કર્યો હતો અને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી.
રૂટે 375 બોલનો સામનો કરીને 262 રનની યાદગાર ઇનિંગ રમી હતી. પૂર્વ ઇંગ્લિશ કેપ્ટનના બેટમાંથી 17 ચોગ્ગા આવ્યા હતા. તે જ સમયે, બ્રુકે તેની શાનદાર બેટિંગ ચાલુ રાખી અને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ત્રેવડી સદી ફટકારી. બ્રુકે પોતાની ત્રેવડી સદી 310 બોલમાં પૂરી કરી હતી. બ્રુકે 322 બોલમાં 317 રનની અવિસ્મરણીય ઇનિંગ રમી હતી. બ્રુકે મુલતાનના મેદાન પર 29 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
67 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
જો રૂટ અને હેરી બ્રુકની જોડીએ ચોથી વિકેટ માટે 454 રન જોડ્યા હતા. આ ભાગીદારી સાથે ઇંગ્લિશ જોડીએ 67 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. રૂટ-બ્રુકે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ભાગીદારી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ સાથે વિદેશી ધરતી પર રમતા અત્યાર સુધીની આ સૌથી મોટી ભાગીદારી છે. રૂટ અને બ્રુકે પીટર મે અને કોલિન કાઉડ્રીએ 1957માં બનાવેલા રેકોર્ડને નષ્ટ કરી દીધો છે.
ઈંગ્લેન્ડે ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો
ઈંગ્લેન્ડે 823 રનના સ્કોર બોર્ડ પર મૂક્યા બાદ દાવ ડિકલેર કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લિશ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબરનો સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઇંગ્લેન્ડનો ત્રીજો સૌથી મોટો સ્કોર પણ છે. ઈંગ્લેન્ડે તેનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.