દક્ષિણ આફ્રિકા હાલમાં પાકિસ્તાનની ટીમની યજમાની કરી રહ્યું છે. T20 અને ODI સિરીઝની સમાપ્તિ બાદ હવે બંને ટીમો બે ટેસ્ટ મેચની સિરીઝમાં આમને-સામને છે. દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. મેચના પહેલા દિવસે એક એવી ઘટના જોવા મળી જે ચર્ચામાં છે. પાકિસ્તાની બેટ્સમેન કામરાન ગુલામ કાગીસો રબાડા અને કાઈલ વેરેને સાથે અથડાતો જોવા મળ્યો હતો.
કામરાન ગુલામ તેના આક્રમક વલણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મેચના પહેલા દિવસે તેને કાગીસો રબાડા અને વિકેટકીપર બેટ્સમેન વરેને સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. રબાડા તેની ઘાતક બોલિંગથી કામરાનને સતત પરેશાન કરી રહ્યો હતો. આ દરમિયાન કામરાન રબાડા બોલ ફેંકે તે પહેલા જ વિકેટથી દૂર ખસી જાય છે.
કામરાને ગુસ્સામાં કર્યો અભદ્ર ભાષાનો ઉપયોગ
આ પછી કામરાન ગુસ્સામાં રબાડાને ગાળો આપે છે. રબાડાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વેરેન થોડા સમય માટે કામરાન પાસે આવે છે અને તેને ઈશારાથી કંઈક બતાવવાનો પ્રયત્ન કરે છે. આનાથી કામરાન ચિડાઈ જાય છે અને તે વેરેના માટે ખરાબ ભાષા પણ વાપરે છે. આ મામલા બાદ રમત પણ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી.
કામરાનની શાનદાર ઈનિંગ
રબાડાએ તેના સ્પેલ દરમિયાન સતત ઘાતક બોલિંગ કરીને કામરાનને નિશાન બનાવ્યો હતો. કામરાનની વિકેટ ડેન પેટરસનના ખાતામાં આવી. તેને કામરાનને રબાડાના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કામરાને 71 બોલમાં 54 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં 8 ફોર અને 1 સિક્સ સામેલ હતી.
પાકિસ્તાને તેના પ્રથમ દાવમાં 211 રન બનાવ્યા
આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત કર્યો હતો. શાન મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પ્રથમ રમતમાં 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે સૌથી વધુ રન કામરાન ગુલામના બેટથી આવ્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા મુખ્ય બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કોર્બિન બોસે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લેવામાં સફળ રહ્યો. ડેન પેટરસને 5 વિકેટ લીધી.