સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

સુપ્રીમ કોર્ટે ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને બનાવટી જન્મ પ્રમાણપત્ર કેસમાં મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે લક્ષ્ય સામેની FIR રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લક્ષ્ય સેન સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી અન્યાયી છે અને તે ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે.
શું છે આખો મામલો?
અર્જુન એવોર્ડ વિજેતા અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા શટલર લક્ષ્ય સેન પર 2022માં ઉંમરની ખોટી વિગતો આપવાનો આરોપ હતો. નાગરાજા એમજી નામના વ્યક્તિની ફરિયાદ બાદ બેંગલુરુ પોલીસે લક્ષ્ય સામે એફઆઈઆર નોંધી હતી.
લક્ષ્ય સેન પર જુનિયર સ્તરે સ્પર્ધા કરતી વખતે વય-પ્રતિબંધિત ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવવા માટે તેની ઉંમર સાથે છેડછાડ કરવાનો આરોપ હતો. આ પછી, સ્થાનિક કોર્ટે પોલીસને લક્ષ્ય સામેના આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
લક્ષ્ય બેંગલુરુમાં પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ લે છે. એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા લોકોમાં લક્ષ્ય, તેના કોચ વિમલ કુમાર, તેના પિતા ધીરેન્દ્ર સેન, તેનો ભાઈ ચિરાગ અને માતા નિર્મલા સેનનો સમાવેશ થાય છે.