ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂ નામના સાવજની જોડીએ ધામા નાખ્યા છે અને રાત પડેને શિકારે નીકળી પડે છે, શિયાળાની ઠંડીમાં આ બંને પુખ્ત સાવજો પેટની આગ ઠારવા દુધાળા પશુઓ ઉપરાંત વન્ય જીવનો શિકાર કરી રહ્યા છે.
શેત્રુંજી નદીના કાંઠે સાવજોનું ગ્રુપ વસી રહ્યું છે
ગત રાત્રે ભંડારિયામાં ત્રણ ગાયોને શિકાર બનાવ્યો હતો, ઉપરાંત નાના ખોખરા ગામમાં પણ એક વાછરડીનું મારણ કર્યું હતું. વનરાજોના વિચરણના કારણે માલધારીઓને રાતે ઉજાગરા શરૂ થયા છે સાથે ફફડાટ મચ્યો છે. પાલીતાણા નજીક શેત્રુંજી નદીના કાંઠે સાવજોનું ગ્રુપ વસી રહ્યું છે, જય અને વીરુ આ ગ્રુપના જ બે સભ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બંને સાવજો શિયાળાના સમયે માળનાથ, મેલકડી તથા મહાદેવ ગાળાની ગિરિમાળાઓમાં આવી ચડે છે. આ બંને પુખ્ત નર સાવજ નવી ટેરેટરીની શોધમાં હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
એક વાછરડીનું મારણ કર્યાનું વન વિભાગે જણાવ્યું
છેલ્લા એકાદ મહિનાથી જય -વીરુની જોડીએ આ પંથકમાં વિચરણ શરૂ કર્યું છે અને 20થી વધુ મારણ કર્યાનું અનુમાન છે, ગત રાત્રીના સુમારે ભંડારિયામાં ધાવડી માતા મંદિર નજીક પાણીના ટાંકા આવેલા છે, તે સ્થળે માલધારીની જોકમાં બંને સાવજો ત્રાટક્યા હતા. અહીં તેમણે ત્રણ ગાયોને શિકાર કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર પેટની આગ ઠારી નહીં શકતા સાવજો અહીંથી ભૂખ્યા જ નાના ખોખરા તરફ ગયા હતા. જ્યાં પણ એક વાછરડીનું મારણ કર્યાનું વન વિભાગે જણાવ્યું છે.
4 પશુના શિકારની ઘટનામાં માનવીય વિક્ષેપ કારણભૂત હોવાનું વન વિભાગનું માનવું
વધુમાં વન વિભાગે અનુરોધ કરી જણાવ્યું હતું કે સાવજ, દીપડા જેવા વન્ય પ્રાણી શિકાર કરી પશુઓના મોત નિપજાવે ત્યારબાદ તેમને મારણ કરી લેવા દેવું, અન્યથા ભૂખ્યા રહેવાથી મારણનો સિલસિલો અટકશે નહીં અને નવા નવા શિકાર કરતા રહેશે. ગત રાતે 4 પશુના શિકારની ઘટનામાં માનવીય વિક્ષેપ કારણભૂત હોવાનું વન વિભાગનું માનવું છે.
Source link