GUJARAT

Panchmahal: ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

  • બે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
  • પૂછપરછ કરતા ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી
  • સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ જપ્ત કરવામાં આવી

ગોધરા તાલુકાના ટીંબા ગામમાં આવેલી જ્વેલર્સની દુકાન અને મકાનમાં થોડા દિવસો અગાઉ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ મળી કુલ 50 લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. લાખોની રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ ટીમોની રચના કરવામાં આવી

જો કે ઘટનાની ગંભીરતા જોતા પંચમહાલ પોલીસની એલસીબી સહિતની ટીમો એલર્ટ થઈ જતા ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ ટીમોની રચના પણ કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી ટીમ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનારનું પગેરૂ મેળવવામાં સફળતા મળી હતી. વડોદરા ખાતે રહેતા દિલદાર સિંગ તુફાન સિંગ બાવરી અને તારા સિંગ કલ્લુસિંગ સરદાર બંને દ્વારા આ ચોરી કરવામાં આવી હતી. જો કે આ ચોરીના દાગીના વેચવા માટે બંને આરોપીઓ જ્યારે ગોધરા દાહોદ હાઈવેના ચુંદડી બસ સ્ટેશન પાસે ઉભા હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી, જેથી એલસીબી ટીમે બાતમીના સ્થળે વોચ ગોઠવી હતી.

30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બાતમી મુજબ જ બે બુકાની ધારી ઈસમો ચોરીના દાગીના વેચવા આવતા બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની તપાસ અને પૂછપરછ કરતાં તેઓ પાસેથી 7.8 કિલો ચાંદીના દાગીના જેની કિંમત 4,40,298 રૂપિયા તેમજ 424 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 25,42,656 રૂપિયા અને આ સાથે જ 96 હજાર રોકડા મળી કુલ 30,78,954 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસ દ્વારા બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેઓએ ઈકો ગાડીની ડેસરથી ચોરી કર્યા બાદ ટીંબા ગામે આવી ચોરી કરી હતી અને જેના બાદ ઈકો ગાડીને બિનવારસી હાલતમાં દૂરના સ્થળે મૂકી દેવામાં આવી હતી.

દુકાનના સીસીટીવી પણ હાથ લાગતા પગેરુ શોધવામાં સફળતા મળી

ઝડપાયેલા આરોપીઓ પૈકી દિલદાર સિંગ અગાઉ વડોદરા શહેરના વાડી અને વારસિયા પોલીસ મથકના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું હાલ બહાર આવ્યુ છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા રાજા સિંગ માધુસિંગ સરદાર રહે. ડેસર સાવલીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આ સમગ્ર મામલે જવેલર્સની દુકાનના સીસીટીવી પણ હાથ લાગતા પગેરુ શોધવામાં સફળતા મળી હતી.

પૂછપરછ કરતા ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી

ટીંબા ગામમાં જવેલર્સના ત્યાં ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ભેજાબાઝ તસ્કરો દ્વારા ભૂંડ પકડવાની દિવસ દરમિયાન કામગીરી કરવામાં આવતી હોય છે અને જેના બહાને અનેક વિસ્તારોમાં જઈ મકાનો અને દુકાનોની રેકી કરી રાત્રિના સમયે ચોરી કરવામાં આવે છે. જેમાં પણ પ્રથમ વાહનની ચોરી કર્યા બાદ ચોરી કરેલુ વાહન મકાનો અને દુકાનોમાં ચોરી કરવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વાહન બિનવારસી હાલતમાં છોડી દેતા હતા. સાથે જ પોતાની ઓળખ છુપાવવા માટે રેઈનકોટ પહેરતા હતા. આમ, તસ્કરો પોતાનો મનસુબો પાર પાડવામાં સફળ રહેતા હતા. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button