પ્રજાના પૈસા પાણીમાં ગયા: રાજકોટમાં અંડરબ્રિજના સમારકામ માટે 55 લાખ ખર્ચ કર્યો, છતાં ખાબોચિયા ભરાયાં

આજે પણ આ અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા અને સેવાળ જામેલા જોવા મળ્યા હતા જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો પરેશાન છે. શાસકો દ્વારા સમસ્યાના તાત્કાલિક નિરાકરણની સૂચના અપાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
જ્યારે વિપક્ષ દ્વારા આ બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસની માગ ઉઠાવવામાં આવી છે. જો કે ડેપ્યુટી મેયર તેમના વિસ્તારના મતદારોની સમસ્યાનો ઉકેલ લાવી શકશે કે પછી અધિકારીઓ અગાઉના સમયની માફક આજે પણ પદાધિકારીઓને ટેક્નિકલ કારણોની સમસ્યા દર્શાવી હાથ ઉપર કરી દેશે તે જોવું મહત્ત્વનું રહેશે.
સેવાળ જામી જવાથી વાહનો સ્લીપ થવાની ફરિયાદો ઉઠી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં આ બ્રિજને રીનોવેશન માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને પછી આજે ફરી બ્રિજમાંથી પાણી નીકળવાની, સેવાળ જામી જવાની વાહનો સ્લીપ થવા સાઈટની ફરિયાદો શરૂ થઇ જવા પામી છે. એટલે કે મનપાના શાસકો દ્વારા કરવામાં આવેલો આ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું સાબિત થઇ રહ્યું છે.
50 લાખનો ખર્ચ કરી સમસ્યા હલ થઈ જશેનો દાવો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના જામનગર રોડથી રેલનગર વિસ્તારને જોડતો રેલનગર અંડરબ્રિજ લગભગ 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2023ના અંતમાં સપ્ટેમ્બર 2023થી ડિસેમ્બર 2023 સુધી 3 મહિના સુધી બ્રિજને બંધ કરી 55 લાખ ખર્ચે બ્રિજનું સમારકામ કરી કાયમી માટે આ બ્રિજની તમામ સમસ્યા હલ થઇ જશેનો દાવો શાશકો દ્વારા કરવામાં આવ્યો હતો.