ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા હવે આપણી વચ્ચે નથી રહ્યા. રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર રતન ટાટા હવે નથી રહ્યા. રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. ત્યારે નવસારીમાં દેશના ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.
નવસારીમાં પારસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
નવસારીમાં પારસી સમાજ દ્વારા ઉઠમણું યોજવામાં આવ્યું હતું. પારસી સમાજ દ્વારા આયોજિત ઉઠમણુંના કાર્યક્રમમાં નવસારીના સમસ્ત સમાજના લોકોએ હાજરી આપી છે. પારસી સમાજના હોલ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. પારસી સમાજના ભાઈ બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ રતન ટાટાની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. નવસારી શહેરના બુદ્ધિજીવી અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
રતન ટાટાના પૂર્વજ જમશેદજી ટાટાનું જન્મસ્થળ નવસારી
નોંધનીય છે કે, નવસારી રતન ટાટાના પૂર્વજ જમશેદજી ટાટાનું જન્મસ્થળ છે. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ જમશેદજી ટાટાનો જન્મ નવસારીના નાનકડા ઘરમાં થયો હતો. બાદ જમશેદજી ટાટા મુંબઈ સ્થાયી થયા અને તેમણે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી. જમશેદજી ટાટાના વારસાને તેમના દત્તક પુત્ર નવલ ટાટાએ આગળ વધાર્યો હતો. ત્યારબાદ નવલ અને સુનુ ટાટાના ઘરે ડિસેમ્બર 1937માં જન્મેલા પુત્રરત્ન એવા રતન ટાટાએ 1962 માં ટાટા ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈને આ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા તરફ ડગ માંડ્યા હતાં.
રતન ટાટા 1991માં બન્યા હતા ચેરમેન
નોંધનીય છે કે, 1991માં રતન ટાટાને ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે 2012 સુધી આ ગ્રૂપનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી.
રતન ટાટાનો નવસારી સાથેનો સંબંધ
ટાટા ગ્રુપ સાથે જોડાયા બાદ રતન ટાટા 1978 માં નવસારીમાં આવ્યા હતા. અહીં નાટક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા નિર્મિત ટાટા હોલનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે જ પારસી સમાજના નવસારી સાથે સંકળાયેલા ટ્રસ્ટમાં પણ તેઓ ચેરમેન પદે રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, નવસારીમાં ટાટા ગ્રુપ શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. ત્યારે રતન ટાટાના નિધનથી નવસારીના પારસી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. નવસારી, રાજ્ય અને દેશભરના પારસીઓ રતન ટાટાના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
Source link