GUJARAT

Patan: ઊંઝા APMC ચૂંટણીમાં બેફામ ક્રોસ વોટિંગ : આજે પરિણામ

એશિયાની સૌથી મોટી એવી ઊંઝા APMCની હાઈ-પ્રોફાઈલ ચૂંટણીની સોમવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વેપારી વિભાગના 4 અને ખેડૂત વિભાગના 10 ડિરેક્ટરોની નિમણુંક માટે 36 ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. મતદાન પ્રક્રિયાના અંતે વેપારી વિભાગમાં 805 માંથી 782 મતદારોએ અને ખેડૂત વિભાગના 261 માંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું. જોકે ઊંઝા APMC માં ઉમટેલ લોકો તેમજ ઉમેદવારના ટેકેદારો દ્ધારા ક્રોસ વોટીંગ થયું હોવાની વાતને ભરપૂર સમર્થન અપાયું હતું.

મતદાન પ્રક્રિયા દરમ્યાન મત આપવા આવેલા મતદારોને ભાજપના નિર્ધારીત કરેલા મેન્ડેટના ઉમેદવારોને મત આપીને જીતાડવા માટે મહેસાણા લોકસભા બેઠકના સાંસદ હરિભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર મતદારોને રિઝવવા ઊંઝામાં આવી પહોંચ્યા હતા.

મતદાનના 4 દિવસ અગાઉથી ભાજપના નેતાઓએ એક બાદ એક બેઠકો યોજીને ભાજપે મેન્ડેટમાં જાહેર કરેલા ઉમેદવારોને જ જીતાડવા માટેના મરણીયા પ્રયાસ કર્યા હતા, છતાં મતદારોએ ભાજપના મેન્ડેટ અને નેતાઓની શીખામણની ઐસી કી તૈસી કરીને મન ભરીને ઈચ્છા મુજબ ક્રોસ વોટીંગ કર્યું હતું જો કે સાચી સ્થિતી જગજાહેર હોવા છતાં ભાજપના નેતાઓ ક્રોસ વોટીંગ થયાની વાતને રદિયો આપતા રહ્યા હતા.

ભાજપના મેન્ડેટ અપાયેલા જ ઉમેદવાર જીતશે તેવું રટણ કરતા રહ્યા હતા. હવે આજે આ તમામ અટકળો અને સંભાવનાઓનો અંત આવી જશે કારણ કે ઊંઝા આજે APMCમાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતીમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તેના શું પરિણામો આવે છે તેની આખા ઉત્તર ગુજરાતના લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે.

મતદાન મથકે વહેલી સવારથી પોલીસનો કાફલો ખડકી દેવાયો

ઊંઝા APMC માં જ ખેડૂત અને વેપારી બંન્ને વિભાગના ડિરેક્ટરોની ચૂંટણી માટે બે મતકુટીર નજીક નજીકમાં જ ઉભી કરવામાં આવી હતી. આખી ચૂંટણી અને મતદાન પ્રક્રિયા સમયે કોઈ અણબનાવ ના બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી પોલીસે જડબેસલાક સુરક્ષાનો ઘેરો પૂરો પાડયો હોવાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જો કે ચૂંટણીની તાલાવેલી અને ઉત્સુક્તાને લઈને લોકોના ટોળેટોળાં આખો દિવસ ઊંઝા APMCના મતદાન કુટીર નજીક જામેલા રહ્યા હતા.

મતદારોને ભાજપના મેન્ડેટ અપાયેલ ઉમેદવારોને મત આપવા નેતાઓ સમજાવતા રહ્યા બંન્ને જૂથના આગેવાનો ધારાસભ્ય કેકે પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સવારથી જ મતદાન કેન્દ્ર ખાતે હાજર થઈ ગયા હતા. આ ઉપરાંત સાંસદ હરિભાઈ પટેલ અને જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર પણ આવી પહોંચ્યા હતા. નેતાઓ મતદારોને ભાજપે મેન્ડેટ આપેલ ઉમેદવારોને જ મત આપવા માટે સમજાવટ કરતા જોવા મળ્યા હતા. અમે એક છીએ એવો મેસેજ દર્શાવવા માટે કેટલાક સમય માટે બંન્ને જૂથના નેતાઓ ધારાસભ્ય કેકે પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સાથે ફરતા પણ જોવા મળ્યા હતા.

ભાજપના નેતાઓના રટણ અને લોકમત વચ્ચે મોટો વિરોધાભાસ

સોમવારે ચૂંટણીનું મતદાન શરૂ થયું ત્યારથી એક તરફ ભાજપના મોટાગજના તમામ નેતાઓ દ્ધારા રટણ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી એક તરફી જ છે અને ભાજપે મેન્ડેટ આપેલ તમામ ઉમેદવારો જ જીતશે તો બીજી તરફ આખી ઊંઝા APMC માં ઉમટી પડેલ લોકો તેમજ ઉમેદવારના ટેકેદારો દ્ધારા ક્રોસ વોટીંગ થયું હોવાની વાતને ભરપૂર સમર્થન અપાયું હતું અને ભાજપના મેન્ડેટ અપાયેલા તમામ 10 ઉમેદવારો તો જહી જ જીતે તેવો લોકમત સાંભળવા મળ્યો હતો.

09 વાગ્યાથી મતદાન શરૂ થયું પરંતું 10 વાગ્યા બાદ મતદાનમાં તેજી આવી

ઊંઝા APMC ખાતે સવારે 9 કલાકથી જ મતદાન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી પરંતું બંન્ને જૂથોના કેમ્પ ઊંઝાથી શહેરથી દૂર રાખેલા હોવાથી મતદારોને લક્ઝરી દ્ધારા ઊંઝા નજીક લાવ્યા બાદ 10-10 મતદારોના જૂથ બનાવી નાના વાહનો મારફતે મતદાન કેન્દ્ર સુધી લવાયા હતા જેને કારણે મોટાભાગના મતદારોએ 10 વાગ્યા બાદ મતદાન કર્યું હતું. તે બાદ મતદાન પ્રક્રિયામાં તેજી જોવા મળી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button