વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો. વીડિયોમાં સીજેઆઈ ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના દાસ પીએમ મોદીનું તેમના ઘરે સ્વાગત કરતા જોઈ શકાય છે. આ પછી પીએમ મોદી પણ તેમના નિવાસસ્થાને ભગવાન ગણેશની પૂજા કરતા જોવા મળ્યા હતા. સીજેઆઈના નિવાસસ્થાને યોજાયેલા સમારોહમાં વડાપ્રધાને પરંપરાગત મહારાષ્ટ્રીયન કેપ પહેરી હતી.
પીએમ મોદીએ બાપ્પાની કરી આરતી
વીડિયો મુજબ સીજેઆઈ ચંદ્રચુડ અને તેમની પત્નીએ પીએમ મોદી જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કર્યું. આ પછી વડાપ્રધાન મોદીએ આરતી થાળી સાથે ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ દરમિયાન નજીકમાં કેટલાક અન્ય લોકો પણ પૂજા કરતા જોવા મળ્યા હતા. સીજેઆઈ ચંદ્રચુડ પૂજા દરમિયાન ભગવાનની સામે હાથ જોડીને ઉભા હતા.
મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવ
આ સમયે દેશભરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ઉજવણી થઈ રહી છે. તે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર આવતા ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે. આ પછી દસ દિવસ સુધી ઉત્સવ ચાલુ રહે છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશના ઊંચા પંડાલ દરેક જગ્યાએ જોવા મળે છે. ગણેશ ઉત્સવના પંડાલમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લે છે.
ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
તમને જણાવી દઈએ કે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ નવેમ્બર 2022થી ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ છે. તેઓ આ વર્ષે નવેમ્બર સુધી આ પદ પર રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન સીઆઈજે ચંદ્રચુડે કલમ 370, ઈલેક્ટોરલ બોન્ડ સહિત ઘણા મહત્વપૂર્ણ મામલામાં નિર્ણયો આપ્યા છે. તેમની ગણતરી શિસ્તબદ્ધ સીઆઈજે તરીકે થાય છે. ઘણી વખત, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, જ્યારે વકીલ અથવા અન્ય કોઈ વ્યક્તિ જોરથી દલીલ કરે છે અથવા શિસ્તની વિરુદ્ધ જાય છે, ત્યારે તેઓ તેને ઠપકો આપવાનું ભૂલતા નથી.