મહારાષ્ટ્રમાં મુંબઈના દરિયાકાંઠે બુધવારે નૌકાદળનું જહાજ પર્યટકની બોટ સાથે અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 99 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ દુર્ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર દુ:ખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યું કે મુંબઈમાં બોટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. આ સાથે જ તેમણે જાણકારી આપી હતી કે અસરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવશે.
મૃતકોના પરિવારજનોને મળશે સહાય રકમ
પીએમ મોદીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને PMNRF તરફથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ રકમ મુખ્યમંત્રી સહાય નિધિમાંથી આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. નેવીની સાથે પોલીસ પણ આ મામલે તપાસ કરશે.
નૌકાદળે આપ્યું આ નિવેદન
નૌકાદળ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારું એક જહાજ એન્જિન ટેસ્ટ માટે જઈ રહ્યું હતું, પરંતુ તે પછી સાંજે 4 વાગ્યે તેણે કાબૂ ગુમાવ્યો અને કારંજા પાસે નીલકમલ બોટ સાથે અથડાયું હતું. આ બોટ મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયાથી લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા આઈલેન્ડ લઈ જઈ રહી હતી. નેવીએ કહ્યું કે અમે તરત જ કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી બચાવ કાર્ય શરૂ કર્યું. જેમાં નેવીના ચાર હેલિકોપ્ટર, 11 જહાજો, કોસ્ટ ગાર્ડની એક બોટ અને મરીન પોલીસની ત્રણ બોટની મદદ લેવામાં આવી.
Source link