વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના લોકોને સંબોધિત કર્યા અને આ દરમિયાન વડાપ્રધાને રાંચી એરપોર્ટ પર તમામ કાર્યકરોના દિલ જીતી લીધા હતા. એરપોર્ટ પર તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલયના અનેક વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને મળ્યા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
વડાપ્રધાને ઓફિસના કર્મચારીઓ સાથે વાતચીત કરી પોતાના અનુભવો પણ શેર કર્યા
આ દરમિયાન પીએમએ કહ્યું કે તેમને ગર્વ છે કે ભાજપમાં આવા કાર્યકરો છે. વડાપ્રધાને કહ્યું કે તેમને ગર્વ છે કે અમારી પાર્ટી ભાજપમાં એવા ઘણા કાર્યકરો છે, જેઓ પાર્ટીને મજબૂત કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તેમણે બધા સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા અને ઓફિસના કર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે તેમણે પોતાના અનુભવો પણ શેર કર્યા અને તેમના જીવન અને તેમના પરિવારોની સુખાકારી વિશે જાણ્યું હતું. પીએમની આ અનોખી શૈલી દરેકને પસંદ છે. પીએમે કાર્યકર્તાઓ સાથે વિતાવેલા સમયની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે તેમણે રાંચી એરપોર્ટ પર ભાજપ ઓફિસના કાર્યકરો સાથે વાત કરી.
કાર્યકરોનું યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં: વડાપ્રધાન મોદી
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ આવા જ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, પરંતુ પીએમએ હરિયાણામાં એક રેલીમાં કહ્યું હતું કે કાર્યકર્તાઓના કારણે જ પાર્ટી આ લેવલ સુધી પહોંચી છે. તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
ઝારખંડમાં 83,700 કરોડથી વધુના વિકાસની પરિયોજનાઓનું PMએ કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં રૂપિયા 83,700 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને આ સાથે પીએમે અહીં આદિજાતિ ન્યાય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ યોજના 17 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો દ્વારા રાજ્યમાં 25 કાર્યક્રમો દ્વારા સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં નિર્ણાયક અંતરને દૂર કરવા માટે લાગુ કરવામાં આવશે.