ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર રતન ટાટા હવે નથી રહ્યા. રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
PM મોદીએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કરતાં લખ્યું કે, “શ્રી રતન ટાટા જી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિગ્ગજ અને દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેમને 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું બુધવારે નિધન થયું છે. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની હાલત ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા હતા.
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત અચાનક બગડતાં, તેમને ICU માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
બે દિવસ પહેલા જ કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટ
7 ઓક્ટોબરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે સ્વાસ્થ્યની ચિંતાઓને ‘અફવાઓ’ તરીકે ફગાવી દીધી હતી અને તેમના ફોલોઅર્સને અને ફેન્સને કહ્યું હતું કે ચિંતા કરવા જેવું કંઈ નથી અને તે વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
1991થી 2012 સુધી રહ્યા ટાટા ગ્રુપના ચેરમેન
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટા 2012 સુધી ટાટા ગ્રુપના વડા હતા. તેમણે લગભગ 22 વર્ષ બાદ 78 વર્ષની ઉંમરે આ પદ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમના નેતૃત્વ હેઠળ, તેમણે ગ્રૂપની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને ઈન્ફોસિસ અને વિપ્રો કરતાં આગળ લાવ્યા. ખાસ વાત એ છે કે સામાન્ય લોકોનું કાર રાખવાનું સપનું પૂરું કરવા માટે તેમણે ટાટા નેનો લોન્ચ કરી હતી, જેની કિંમત 1 લાખ રૂપિયા હતી.
ટેટલીને $450 મિલિયનમાં ખરીદી
રતન ટાટાએ ઘણી વૈશ્વિક કંપનીઓને ખરીદીને ગ્રુપના પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો. તેણે 2000માં ટેટલીને $450 મિલિયનમાં ખરીદ્યું. જ્યારે તેમણે 2007માં કોરસ હસ્તગત કરી હતી, તેની કિંમત 6.2 બિલિયન પાઉન્ડ હતી. બીજી તરફ, તેમણે 2008માં વિદેશી કંપની જગુઆર લેન્ડ રોવરને 2.3 બિલિયન ડોલરમાં ખરીદીને હલચલ મચાવી હતી.