GUJARAT

Dwarka: જામ ખંભાળીયામાં લૂંટ કેસના 3 આરોપીને પોલીસે દબોચ્યા, મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં મોડી સાંજે દુકાનેથી ઘરે જતા સિનિયર સિટીઝન લોહાણા વેપારીની સાથે થયેલા લૂંટ કેસમાં 3 આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. જામ ખંભાળિયામાં રહેતા જાણીતા વેપારી અશોકભાઈ ગોકાણી, 17 ઓક્ટોબરે મોડી સાંજે પોતાની દુકાન વધાવીને ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે SNDT સોસાયટીમાં શેરી નંબર 5માં પહોંચતા ઈરાદો પાર પાડવા માર્ગમાં બે શખ્સોએ તેમને આંતરી અને એકટીવા પરથી પછાડી દીધા બાદમાં તેમની પાસે રહેલી રોકડ રૂપિયા 73,660 ભરેલી થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.

લૂંટના બનાવથી શહેરભરમાં ભારે ચર્ચા મચી જવા પામી હતી

પોલીસ સ્ટેશન નજીક જ બનેલા આ બનાવથી શહેરભરમાં ભારે ચર્ચા મચી જવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી આ પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા અને અહીંના જોધપુર ચોક પાસે દુકાન ધરાવતા જાણીતા વેપારી અશોકભાઈ થાવરદાસ ગોકાણી નામના 64 વર્ષના વેપારી 17 ઓક્ટોબરને ગુરુવારે રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે તેમની દુકાનેથી એક્ટિવા પર બેસીને ઘરે જઈ રહ્યા હતા.

પૈસા ભરેલી થેલી લુંટારૂઓ ઝૂંટવીને નાસી છૂટ્યા

ત્યારે પોલીસ સ્ટેશન નજીક આવેલી એસ.એન.ડી.ટી. શાળાની પાછળના ભાગે કુંભાર પાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક 20થી 22 વર્ષના બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી આરોપીઓએ અશોકભાઈ ગોકાણીને એકટીવા પરથી ધક્કો મારીને પછાડી દીધા હતા. સિનિયર સીટીઝન વેપારી અશોકભાઈ કંઈ સમજે તે પહેલા તેમની પાસે રહેલી પૈસા ભરેલી થેલી લુંટારૂઓ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા.

આમ, બે અજાણ્યા શખ્સોએ તેમને પછાડીને ઈજાઓ પહોંચાડી અને રૂપિયા 73,660ની રોકડ રકમ તેમજ દુકાનના રોજમેળ સહિતનો મુદ્દામાલ લૂંટી ગયા હોવાની ફરિયાદ અશોકભાઈ થાવરદાસ ગોકાણીએ જામ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી હતી. લુંટનો બનાવ બનતા DYSP હાર્દિક પ્રજાપતિ, PI બી.જે. રાણા, LCBના PI કે. કે. ગોહિલ, SOG, ડી સ્ટાફ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાસી છૂટેલા બે લૂંટારુઓનું પગેરું મેળવવા નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા

લૂંટારુઓને ઝડપી લેવા માટે શહેરના અલગ અલગ વિસ્તારના જુદા જુદા સીસીટીવી ફૂટેજ તેમજ ક્રાઈમ ટ્રેક એપ્લિકેશન મારફતે ઈન્ચાર્જ PI રાણા, LCB PI કે.કે.ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા રાત્રીના સમયે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા દિનેશ ગોવિંદ ધોરીયા (ઉ.વ. 22, રહે. ભગવતી મેરેજ હોલ પાછળ), રોહિત ધરમશી ડાંગર (ઉ.વ. 23, રહે. કુંભાર પાડો) અને રાહુલ ધીરુભાઈ ચૌહાણ (ઉ.વ. 21, રહે. જૂની તાલુકા પંચાયત કચેરી પાછળ) નામના ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા.

આરોપીઓ છૂટક મજૂરી કામ કરતા હોવાનું તેમજ આરોપીઓ નશાની આદત ધરાવતા હોવાનું પણ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. આ અંગેની વધુ તપાસ જામ ખંભાળિયાના PSI ચૌહાણ ચલાવી રહ્યા છે. ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રૂપિયા 73,660નો રોજમેળ સહિતનો મુદ્દામાલ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button