સુરેન્દ્રનગર શહેરના કોઠારિયા રોડ પર આવેલ એકતા સોસાયટીમાં 100થી વધુ પરિવારો રહે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી દુર્ગંધયુકત આવતુ હોવાથી મહિલાઓ મંગળવારે રજૂઆત માટે પાલિકા કચેરીએ દોડી ગઈ હતી. રોષ સાથે પાલિકાના ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી સત્વરે સમસ્યાનો હલ લાવવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારોમાં ખુબ જ ડહોળુ અન વાસયુકત પાણી આવે છે. આ પીવા તો શું વાપરવાના ઉપયોગમાં પણ લઈ શકાય તેમ નથી. ત્યારે વઢવાણ-કોઠારિયા રોડ પરની એકતા સોસાયટીની મહિલાઓ પીવાના દુર્ગંધયુકત પાણીથી ત્રસ્ત થઈને પાલિકા કચેરીએ પહોંચી હતી. આ વિસ્તારમાં રહેતા ગુલશનબેન, મુમતાઝબેન, રોશનબેન, ફરહાનાબેન, નેન્સીબેન સહિતની મહિલાઓએ રોષ સાથે જણાવ્યુ કે, એકતા સોસાયટીમાં 100થી વધુ પરિવારો વસવાટ કરે છે. સોસાયટીમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. જે અંગે અનેકવાર પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે છેલ્લા થોડા દિવસોથી પીવાનું પાણી અત્યંત દુર્ગંધયુકત આવે છે. આ પાણી કપડા-વાસણ ધોવામાં અને ન્હાવાના ઉપયોગમાં પણ લઈ શકાતુ નથી. ત્યારે આ રજૂઆત અંગે તાત્કાલિક ધ્યાન આપીને સમસ્યાનો હલ લાવવા લેખિત રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.
Source link