વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે,
જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. વડાપ્રધાને ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારત મંડપમ છેલ્લા 2 વર્ષમાં જી-20 બેઠકના સફળ આયોજન સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સાક્ષી રહ્યા છે તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ વધુ વિશિષ્ટ હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમે સમગ્ર દિલ્હીને પૂર્વોત્તર ભારતનાં વિવિધ રંગોથી ઝગમગાવી દીધું છે. પ્રથમ અષ્ટલક્ષ્મી મહોત્સવ આગામી 3 દિવસમાં ઊજવવામાં આવશે તેમ જણાવતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ દેશ અને દુનિયાને સંપૂર્ણ પૂર્વોત્તર ભારતની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં ઘણાં વ્યાવસાયિક સમજૂતીઓ થશે તથા સંસ્કૃતિ, ખાણીપીણી અને અન્ય આકર્ષણોની સાથે પૂર્વોત્તરનાં વિવિધ ઉત્પાદનો પણ પ્રદર્શિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ ઉપસ્થિત પદ્મ પુરસ્કાર વિજેતાઓ સહિત વિવિધ સિદ્ધિઓથી લોકોને પ્રેરિત કરશે. આ કાર્યક્રમને વિશિષ્ટ અને આ પ્રકારની પ્રથમ ઘટના ગણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ પૂર્વોત્તર ભારતમાં રોકાણની પ્રચૂર તકો માટેનાં દ્વાર ખોલશે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાભરના રોકાણકારોની સાથે ખેડૂતો, કામદારો અને કારીગરો માટે આ શ્રોષ્ઠ તક છે.
21મી સદી એશિયાની રહેશેઃ પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું હતું કે 21મી સદી પૂર્વની છે, એટલે કે એશિયા અને ભારત.વડાપ્રધાને દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં ભારતની વિકાસગાથા પૂર્વ ભારત અને ખાસ કરીને પૂર્વોત્તરની પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા દાયકાઓમાં ભારતે મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ જેવા મોટાં શહેરોનો ઉદય જોયો છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી દાયકાઓમાં ભારતમાં ગુવાહાટી, અગરતલા, ઇમ્ફલ, ઇટાનગર, ગંગટોક, કોહિમા, શિલોંગ અને આઇઝોલ જેવા શહેરોની નવી સંભવિતતા જોવા મળશે તથા અષ્ટલક્ષ્મી જેવા કાર્યક્રમો તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
Source link