સુરેન્દ્રનગર રહેતા બે યુવાનો આગામી તા. 12મી ડિસેમ્બરે મુંબઈ ખાતે દીક્ષા અંગીકાર કરનાર છે. બી.ટેક અને સીએ થયેલા બન્ને દીક્ષાર્થી મિત્રોની શોભાયાત્રા અને સન્માનનો કાર્યક્રમ રવિવારે લખતરની સહયોગ વિદ્યાલય ખાતે યોજાનાર છે.
ઝાલાવાડની પાવન ભુમિમાંથી અનેક જૈન શ્રાવકોએ દીક્ષા અંગીકાર કરી છે અને જૈન શાસનની શોભા વધારી રહ્યા છે. ત્યારે તા. 12મીએ મુંબઈના કાંદીવલી ખાતે વધુ ર યુવાનો અસાર સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. મુળ લખતરના સ્વ. ચીમનભાઈ શાહ રેડીયાવાળા પરીવારના 27 વર્ષીય વિશ્વેશભાઈ નરેન્દ્રભાઈ શાહ હાલ સુરેન્દ્રનગર રહે છે. જયારે સુરેન્દ્રનગરમાં જ રહેતા મુળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના મનસુખભાઈ દલીચંદભાઈ શાહ પરીવારના 26 વર્ષીય કલ્પકભાઈ અલ્પેશભાઈ શાહ તેમના મિત્ર છે. બન્ને સાથે 10 વર્ષ અગાઉ પાલીતાણામાં 99ની જાત્રા કરવા ગયા હતા. ત્યારે બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને વૈરાગ્યના ભાવ જાગ્યા હતા. ત્યારબાદ વિશ્વેશભાઈએ બી.ટેક. સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે કલ્પકભાઈ સીએ થયા છે. તા. 12મીએ મુંબઈના કાંદીવલી ખાતે યોજાનાર દીક્ષા મહોત્સવમાં તેઓ મુર્તીપુજક સંપ્રદાયના વિતરાગવલ્લભસુરીશ્વરજીની નીશ્રામાં દીક્ષા અંગીકાર કરશે. બન્ને દીક્ષાર્થીઓની શોભાયાત્રા, સન્માન અને સ્વામીવાત્સલ્યનું આયોજન તા. 8મીએ લખતરના સહયોગ વિદ્યાલય ખાતે કરાયુ છે. જેમાં મોટીસંખ્યામાં જૈન શ્રાવકો અને સંતરત્નો ઉપસ્થિત રહેશે.
Source link