- રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટમાં ધ વોલ તરીકે પ્રખ્યાત
- સમિત દ્રવિડે પિતાના પગલે ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો
- પોતાની પ્રથમ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો સમિત
રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટમાં ધ વોલ તરીકે પ્રખ્યાત છે. પોતાની શાનદાર બેટિંગના આધારે તેણે ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું અને ઘણી મેચ જીતવામાં મદદ કરી. તાજેતરમાં જ તેણે પોતાના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ પણ જીતાડ્યો હતો. પોતાની શાનદાર કારકિર્દીમાં રાહુલ દ્રવિડે ટેસ્ટમાં 52ની સરેરાશથી 13 હજારથી વધુ રન બનાવ્યા હતા. ODI મેચોમાં તેણે 39ની એવરેજથી લગભગ 11 હજાર રન બનાવ્યા હતા.
મહારાજા ટ્રોફીમાં દ્રવિડના પુત્રને મળી એટ્રી
દ્રવિડ તેની ઉત્તમ બેટિંગ શૈલી અને મજબૂત ટેકનિક માટે જાણીતો હતો. હવે પુત્ર સમિત દ્રવિડે પણ તેના પગલે ચાલીને ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. સમિતને મહારાજા ટ્રોફીમાં એન્ટ્રી મળી છે, જ્યાં તે IPLના ઘણા મોટા ખેલાડીઓ સાથે રમતા જોવા મળ્યો હતો. જોકે, તે પોતાની પ્રથમ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.
માત્ર 7 રન બનાવી શક્યો સમિત
મહારાજા ટ્રોફી એ એક સ્થાનિક T20 લીગ છે, જેનું આયોજન કર્ણાટક ક્રિકેટ દ્વારા કરવામાં આવે છે. જેમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. રાહુલ દ્રવિડના પુત્રને મૈસૂર વોરિયર્સ તરફથી રમવાની તક મળી છે, જેણે તેને 50 હજાર રૂપિયામાં ખરીદ્યો છે. તેની ટીમમાં કરુણ નાયર અને કૃષ્ણપ્પા ગૌતમ જેવા ઘણા મોટા ખેલાડી છે, જેઓ IPLની સાથે ટીમ ઈન્ડિયા માટે પણ રમ્યા છે. રાહુલ દ્રવિડની જેમ ચાહકોને પણ સમિત પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ટીમના કેપ્ટન કરુણ નાયર પોતે તેને જોઈને ઉત્સાહિત થઈ ગયા હતા.
પ્રથમ મેચમાં નિષ્ફળ થયો સમિત
સમિત લીગની પ્રથમ મેચમાં નમ્મા શિવમોગ્ગા સામે વધુ પ્રદર્શન કરી શક્યો નહોતો. પ્રથમ બેટિંગ દરમિયાન કેપ્ટન નાયરે સમિતને ચોથા નંબર પર તક આપી હતી, પરંતુ તે 9 બોલમાં માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મેચ દરમિયાન તેણે મોટી ભૂલ કરી હતી. હાર્દિક રાજના બોલ પર મોટો શોટ રમવા જતા ડોદ્દામણી આનંદના હાથે કેચ આઉટ થયો હતો. તમને જણાવી દઈએ કે સમિત ઓલરાઉન્ડર છે અને તે બેટિંગની સાથે મીડિયમ પેસ બોલિંગ પણ કરે છે.
મૈસુર ટીમની જીત
ભલે રાહુલ દ્રવિડનો પુત્ર સમિત બેટથી કોઈ યોગદાન ન આપી શક્યો, પરંતુ તેની ટીમ જીતી ગઈ. શિવમોગ્ગાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. પ્રથમ બેટિંગ કરતા મૈસુરની ટીમે ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં તે મનોજ ભંડાગેની 16 બોલમાં 42 રનની ઇનિંગની મદદથી 159 રન બનાવવામાં સફળ રહી હતી.
DLS મેથડથી આવ્યો મેચનો નિર્ણય
શિવમોગ્ગાની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શિવમોગ્ગાએ ઝડપથી રન બનાવ્યા અને 9 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા. આ પછી વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો અને મૈસૂરની ટીમે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને 7 રનથી મેચ જીતી લીધી હતી.