- રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે
- મહારાજા ટ્રોફીની ડેબ્યૂ મેચમાં જ છગ્ગા વડે લોકોના દિલ જીત્યા
- સમિતની સ્ફોટક સ્ટાઈલ જોઈને કોમેન્ટેટર્સે કર્યા વખાણ
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે ક્રિકેટમાં શાનદાર પદાર્પણ કર્યું છે. પૂર્વ ક્રિકેટરના પુત્ર સમિત દ્રવિડે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત મહારાજા ટ્રોફી T20 ક્રિકેટમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ છગ્ગા વડે લોકોના દિલ જીતી લીધા છે. સમિત દ્રવિડની આ સ્ફોટક સ્ટાઈલ જોઈને કોમેન્ટેટર્સ પણ આનંદથી ઉછળી પડ્યા હતા.
ગગનચૂંબી સિક્સ ફટકાર્યો
બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની મેચમાં સમિત દ્રવિડ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. જો કે તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ પહેલા તેણે મેદાનમાં એક દમદાર સિક્સર ફટકારી હતી. તેણે ઝડપી બોલર સામે તેના પાછળના પગને થોડો ખસેડીને લેગ સાઇડ પર એક ઉત્તમ સિક્સર ફટકારી. રાહુલ દ્રવિડના પુત્રનો આ સુંદર શોટ જોઈને તેના સાથી ખેલાડીઓ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યા. સમિતની આ છગ્ગો જોઈને કોમેન્ટેટર્સ પણ તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.
મેચમાં ના કરી શક્યો ખાસ કમાલ
સમિત દ્રવિડ આ મેચમાં કોઈ ખાસ કમાલ બતાવી શક્યો ન હતો, તેની ટીમ માટે ચોથા સ્થાને બેટિંગ કરતા તેણે કુલ 7 બોલનો સામનો કર્યો અને 100ના સ્ટ્રાઈક રેટથી 7 બોલમાં 7 રન બનાવ્યા. સિક્સર ફટકાર્યા બાદ બીજા જ બોલ પર તે કેચ આઉટ થયો હતો.
મેચનું પરિણામ કેવું આવ્યું?
મેચમાં બેંગલુરુ બ્લાસ્ટર્સ ટીમે ટોસ જીતીને મૈસૂર વોરિયર્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી મૈસુરની ટીમે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. ટીમ વતી મનોજ ભંડાગેએ 175.75ના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ 58 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય 5માં ક્રમે બેટિંગ કરી રહેલા હર્ષિલ ધર્માણીએ અડધી સદી ફટકારી હતી. વિપક્ષી ટીમ તરફથી જ્ઞાનેશ્વર નવીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 183 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુ બ્લાસ્ટર્સ ટીમે 17.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આસાનીથી મેચ જીતી લીધી હતી. ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા ભુવન રાજુએ 24 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.