શિયાળો બરોબર જામ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે. પરંતુ હવે ભર શિયાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી આવતા અઠવાડિયે 27 અને 28 ડિસમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે ભર શિયાળે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે. માવઠા બાદ ઠંડીનો પ્રકોપ પણ વધી શકે છે અને લઘુત્તમ તાપમાન ચાર થી પાંચ ડિગ્રી ગગડી શકે તેવી પણ વકી રહેલી છે. પરિણામે લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે રવી પાકોમાં ઈયળ અને રોચાળાના ઉપદ્રવનો પણ ભય રહેલો છે.
આ વર્ષે શિયાળાની શરૂઆતથી જ ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. દરમ્યાન માંડ ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો પ્રારંભ થયો હતો અને શિયાળુ પાકને માફકસર ઠંડી મળી રહી છે ત્યાં હવામાનમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે ઉત્તર ગુજરાતમાં 27 અને 28 ડિસેમ્બરના રોજ કમોસમી માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે. 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થવાની ભીતિ રહેલી છે. એક તરફ કડકડતી ઠંડી વચ્ચે સામાન્ય તાપમાન ઉચકાયુ છે અને જો માવઠુ થાય તો પારો ચારથી પાંચ ડિગ્રી ગગડી શકે છે અને તે સમયગાળામાં ઠંડાગાર પવનથી હાડ થીજવતી ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરતાં જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
શનિવારે ડીસાનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું
14, 15 અને 16 ડિસેમ્બરના રોજ ડીસાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયુ હતું. પરંતુ ધીમે-ધીમે તાપમાન સામાન્ય ઉંચકાવા લાગ્યું છે. શનિવારે પારો ઉચકાઈને 13.7 ડિગ્રી પહોંચ્યો હતો. ગત અઠવાડિયાની સરખામણીએ 5 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે પરંતુ માવઠુ થાય તો ઠંડાગાર પવનોને કારણે ફરીથી 4 થી 5 ડિગ્રી તાપમાન ગગડી શકે છે.
કમોસમી વરસાદ બાદ ઠંડી એક આંકડામાં નોંધાઈ શકે
ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી તાપમાન સામાન્ય ઉચકાયુ છે અને પારો 12 થી 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યુ છે. પરંતુ માવઠુ થાય તો 27 થી 29 ડિસેમ્બર સુધીના સમયગાળામાં લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે.
Source link