દેશના વિવિધ ભાગોમાં ચોમાસુ વિદાય લેવાની વેળાએ છે. પરંતુ વરસાદ પણ જતા જતા ધબધબાટી બોલાવીને જાય તો નવાઇ નહી. કારણ કે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે તો નવરાત્રિ નજીકમાં છે. ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ હોય પરંતુ આ વખતે ચોમાસુ યુટર્ન મારી રહ્યુ છે. દિલ્હી, ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ક્યાં કરી વરસાદની આગાહી ?
હવામાનની સ્થિતિ પર IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું કે અમારું અનુમાન છે કે આગામી 48 કલાકમાં કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. જે માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. તેમણે ગુજરાતની વાત કરતા જણાવ્યું કે આજે ભારે વરસાદની સંભાવના જ્યારે આવતીકાલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.. હવામાન વિભાગે દિલ્હીની વાત કરતા જણાવ્યું કે આજે સાંજ સુધી હળવો વરસાદ પડી શકે છે સાથે જ આવતી કાલે હળવા વરસાદની આગાહી કરી છે.
મહારાષ્ટ્રના આ શહેરોમાં એલર્ટ જાહેર
હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ અને રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને અન્ય જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. મુંબઈ હવામાન વિભાગના નિયામક સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદની પ્રવૃત્તિ તીવ્ર થવાની ધારણા છે, જેના પરિણામે મુંબઈમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.
અનેક વિસ્તારોમાં વરસાદ પડશે
સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર એક ચક્રવાતી પરિભ્રમણ મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તરે છે, જેના કારણે મરાઠવાડા અને તેની નજીકના મધ્ય મહારાષ્ટ્ર પ્રદેશમાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. જો કે હાલમાં મધ્ય મહારાષ્ટ્ર અને મહત્તમ તાપમાન નોંધાયું છે.
મુંબઇમાં વરસાદની આગાહી
તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર અને મધ્ય ભારત જેવા વિસ્તારોમાં ચોમાસું પાછું આવે તેવો સમય છે. વાવાઝોડાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું ચોક્કસપણે વેગ પકડી રહ્યું છે અને 26 સપ્ટેમ્બર સુધીમાં મુંબઈમાં વરસાદ પડી શકે છે. એવી શક્યતા છે કે આગામી ચાર દિવસમાં સતત વરસાદ પડશે. વાદળોની ગડગડાટ સાથે કુલ 100 mm થી 150 mm વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ ?
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જેમાં અગામી 4 દિવસ રાજયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે નવસારી, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે આજે વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આવતીકાલે અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે અમદાવાદ,ખેડા,વડોદરામાં ભારે પવન સાથે વરસાદી માહોલ બની શકે છે.ગુજરાત તરફ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી શકે છે.ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. ઓક્ટોબર મહિનામાં છૂટાછવાયા વરસાદ હશે.