રાજ્યમાં જ્યારે નવરાત્રિનો માહોલ જામ્યો છે. ત્યારે હવે વરસાદ નવરાત્રિમાં વિઘ્ન બનીને અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. હવે છેલ્લા 2 નોરતા બાકી રહ્યા છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે ખેલૈયાઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભરૂચ, સુરત, અમદાવાદ, ભાવનગર અને ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરમાં પવન સાથે વરસાદ
ભરૂચ શહેરમાં 8 માં નોરતે વરસાદે રમઝટ બોલાવી હતી. જેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. સાથે જ વરસાદના કારણે ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા હતા. નવરાત્રિ વચ્ચે મોડી સાંજે ભરૂચ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
સુરતમાં વરસાદે ખેલૈયાઓની મુશ્કેલી વધારી
સુરતમાં વરસાદ લોકો માટે મુશ્કેલી સમાન સાબિત થયો છે. જેમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદે ખેલૈયા અને લોકોની મુશ્કેલી વધારી છે. ત્યારે સુરતના હોળી બંગલા ખાતે વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઈને પાણી ભરાયેલા રસ્તા પર તાત્કાલિક ડ્રેનેજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા છે. સાથે જ ચોકપ થઈ ગયેલી ગટર તાત્કાલિક ખોલાવી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની નવરાત્રિ
નવરાત્રી વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં અમદાવાદ શહેરના ખોખરા, હાટકેશ્વર અને સાથે જ મણિનગરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં એસ જી હાઇવેની આસપાસ પણ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.
ભાવનગરના મહુવા શહેર-તાલુકામાં વરસાદ
ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઊંચા-નીચા કોટડા ગામ સહિત કટિકડા, ભાટીકળા, દયાલ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. મહુવા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને બે દિવસથી ભયંકર બફારા બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કોસ્ટલ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે.
ગીર સોમનાથમાં નવરાત્રિમાં વરસાદ
ગીર સોમનાથમાં નવરાત્રિમાં વરસાદ વિઘ્નરૂપી સાબિત થયો છે. કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળમાં ભારે વરસાદથી ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી છે. જિલ્લાની મોટાભાગની ગરબીઓ પાણીમાં તરબોળ થઈ ચૂકી છે. ત્યારે દીવ ખાતે પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. જો કે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
Source link