- વડોદરાને જાણે મેઘરાજાએ ડુબાડી દીધું હોય તેવા આકાશી દ્રશ્યો
- વડોદરામાં આર્મીની 4 ટુકડીઓ રેસ્ક્યુમાં જોડાઈ
- લોકોના ઘરોમાં 5થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા
વડોદરામાં ભારે વરસાદે જિલ્લામાં તારાજી સર્જી છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એસ.એસ.જી હોસ્પિટલથી લઈ કાલાઘોડા સર્કલ સુધીના ડ્રોન કેમેરાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
વડોદરામાં પુરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો
કાલાઘોડા સર્કલ પાસેના વિશ્વામિત્રી બ્રિજ પરથી પણ પાણી વહી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાને જાણે મેઘરાજાએ ડુબાડી દીધું હોય તેવા આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરામાં પુરમાં ફસાયેલા લોકોને સેનાએ સહારો આપ્યો છે અને હરણી વિસ્તારમાં આર્મીએ રેસ્ક્યુ ઓપરેશન કર્યુ છે અને આર્મીએ હેલિકોપ્ટરથી લોકોને એર લિફ્ટ કર્યા છે. સનરાઈઝ બંગ્લોઝમાં કલાકોથી લોકો ફસાયા હતા. તમને જણાવી દઈએ કે વડોદરામાં આર્મીની 4 ટુકડીઓ રેસ્ક્યુમાં જોડાઈ છે.
સુરતથી ફાયર ટીમ વડોદરા જવા રવાના
ત્યારે હાલમાં સુરત કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમ પણ વડોદરા આવવા માટે રવાના થઈ છે. ચાર ફાયર ઓફિસરની ટીમ રવાના થઈ છે. 4 બોટ, એક એમ્બયુલન્સ અને બે કારનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. 20 જેટલા ફાયરના જવાનોની ટીમ બનાવવામાં આવી છે અને વડોદરાની ટીમને મદદ માટે સુરતમાંથી ટીમ મોકલવામાં આવી છે
શહેરની એસએસજી હોસ્પિટલમાં કમર સુધીના પાણી ભરાયા
વડોદરા એસએસજી હોસ્પિટલમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ઘુસ્યા છે. એસએસજી હોસ્પિટલમાં રૂક્ષ્મણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહ પાસે કમર સુધીના પાણી ભરાયા છે. ત્યારે કમર સમા પાણી ભરાતા પ્રસુતા મહિલાઓને તાત્કાલિક ઉપરના માળે ખસેડવામાં આવી છે અને સારવાર શરૂ કરવામાં આવી છે.
વિશ્વા મિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા
ઉલ્લેખનીય છે કે વિશ્વા મિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે અને 5થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા છે. ત્યારે વિશ્વામિત્રી નદી નજીક હોવાથી મગરોનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે. ગઈકાલે જ 3 જેટલા મગરનું અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરના ડરથી સ્થાનિક યુવાનો તરાપામાં ચોકીદારી કરી રહ્યા છે. ગત રોજ તરાપામાં જ સ્થાનિકોએ જાતે રેસ્કયુ કર્યું હતું.
Source link