લગભગ એક દાયકા બાદ ભારતમાં રિલીઝ માટે તૈયાર થઈ રહેલી પહેલી પાકિસ્તાની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ વિવાદોમાં સપડતી જોવા મળી રહી છે. ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત આ ફિલ્મના વિરોધમાં રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ખુલ્લેઆમ સામે આવી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ઠાકરેની આ વાત ત્યારે સામે આવી છે, જ્યારે આ પાકિસ્તાની ફિલ્મ ભારતમાં 2 ઓક્ટોબરે પ્રિમિયર થવાની છે.
પાકિસ્તાની ફિલ્મ મહારાષ્ટ્રમાં રિલીઝ નહીં થવા દઈએ: રાજ ઠાકરે
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘એ સાચું છે કે કલાની કોઈ સીમા નથી હોતી. પરંતુ જ્યારે પાકિસ્તાનની વાત આવે છે ત્યારે આ તર્ક કામ ન કરી શકે. જે દેશ આપણા લોકો સામે સતત આતંક ફેલાવી રહ્યો છે તેની ફિલ્મોને દેશના કોઈપણ ભાગમાં રિલીઝ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં, મહારાષ્ટ્રને છોડી દો. રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે, અન્ય રાજ્યો આ મુદ્દે શું નિર્ણય લે છે તે તેમને નક્કી કરવાનું છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ ફિલ્મ મહારાષ્ટ્રમાં કોઈ પણ સંજોગોમાં રિલીઝ નહીં થાય.
પાકિસ્તાની ફિલ્મને લઈ રાજ ઠાકરેની ચેતવણી
રાજ્યના થિયેટર માલિકોને ચેતવણી આપતા રાજ ઠાકરેએ તેમની પોસ્ટમાં લખ્યું કે, ‘થિયેટર માલિકો આવા મુદ્દાઓ પર અમારા દ્વારા અગાઉ લેવામાં આવેલી કાર્યવાહી યાદ રાખશે. આ ફિલ્મ નવરાત્રિના તહેવાર દરમિયાન રાજ્યમાં રિલીઝ થાય ત્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની સંઘર્ષની સ્થિતિ ઊભી થાય તેવું અમે ઈચ્છતા નથી. પરંતુ જો વિરોધ છતાં મહારાષ્ટ્રમાં આ ફિલ્મ બતાવવામાં આવશે તો અમે પગલાં લેવામાં અચકાઈશું નહીં.
ફિલ્મ રિલીઝ થશે તો સિનેમા માલિકોને પરિણામ ભોગવવા પડશે: MNS
મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘હું નથી ઈચ્છતો કે નવરાત્રિના તહેવાર દરમિયાન મહારાષ્ટ્રમાં કોઈ અપ્રિય પરિસ્થિતિ સર્જાય. મને આશા છે કે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને મહાનિર્દેશકની પણ આ જ ઈચ્છા હશે. રાજ્ય પોલીસ અને અમે અમારી વચ્ચે કોઈ સંઘર્ષ ઇચ્છતા નથી. મને ખાતરી છે કે સરકાર આ બાબતે યોગ્ય ધ્યાન આપશે.
MNS સિનેમા વિંગના અધ્યક્ષે આપી ચેતવણી
MNS સિનેમા વિંગના અધ્યક્ષ અમેય ખોપકરે પાર્ટી અધ્યક્ષના મુદ્દાને આગળ વધારતા ચેતવણીનું પુનરાવર્તન કર્યું. તેણે કહ્યું કે, અમે ભારતમાં કોઈ પણ પાકિસ્તાની અભિનેતા-અભિનેત્રી કે ફિલ્મને રિલીઝ થવા દઈશું નહીં. જો થિયેટર માલિકો ફિલ્મ બતાવવાની હિંમત કરશે તો તેમણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ખોપકરે દેશભરના લોકોને આ મુદ્દે ફિલ્મની રિલીઝ સામે વિરોધ કરવા વિનંતી કરી હતી.
પાકિસ્તાની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ને લઈને શરૂ થયો હંગામો
મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાની ફિલ્મ નિર્દેશક બિલાલ લશારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1979ની ક્લાસિક ફિલ્મ ‘મૌલા જટ્ટ’ની રિમેક છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં સુપરહિટ સાબિત થઈ છે અને વિશ્વભરમાં લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફવાદ ખાન અને માહિરા ખાનના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો હોવાથી ફિલ્મના નિર્માતાઓને અહીં સારો પ્રતિસાદ મળવાની આશા છે.
પાકિસ્તાની ફિલ્મ 13 વર્ષ બાદ 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે
ઉલ્લેખનીય છે કે, ભારતમાં રિલીઝ થનારી છેલ્લી પાકિસ્તાની ફિલ્મ હુમૈમા મલિક અને આતિફ અસલમ અભિનીત ‘બોલ’ હતી. આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી. આ પછી 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ હુમલો કર્યો. જેમાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા. ભારતીય સેનાએ PoKમાં આતંકવાદીઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને બદલો લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટના પછી બન્ને દેશોના સંબંધો પાટા પરથી ઉતરી ગયા અને પાકિસ્તાની ફિલ્મોની સાથે ત્યાંના કલાકારો પર અઘોષિત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો જે આજે પણ ચાલુ છે.