Rajinikanth Turns 74: ઇન્ટરવ્યુમાં જ થયો પ્રેમ…ફિલ્મી સ્ટોરીથી કમ નથી રજનીકાંતની લવસ્ટોરી
ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોના નામ લેવામાં આવે ત્યારે રજનીકાંતનું નામ તો આગળ જ હોય. રજનીકાંત એવા સુપરસ્ટાર છે જે ઉત્તરથી દક્ષિણ સુધીના દરેક લોકો પસંદ કરે છે. રજનીકાંતે પોતાના કરિયરમાં અત્યાર સુધી તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને હિન્દી ભાષાઓમાં લગભગ 170 ફિલ્મો કરી છે. રજનીકાંત ફિલ્મોમાં એક્શન કરે છે પરંતુ તેમના રોમેન્ટિક સીન પણ સાવ અલગ હોય છે.
ત્યારે જો આપણે રજનીકાંતની રિયલ લાઈફ લવસ્ટોરીની વાત કરીએ તો તે પણ રજનીકાંતની લવસ્ટોરીથી સાવ અલગ હતી. વર્ષો પહેલા રજનીકાંતે તેમનો ઈન્ટરવ્યુ લેવા આવેલા પત્રકાર સાથે લગ્ન કર્યા હતા. રજનીકાંતે પોતાના પ્રેમને અફેર સુધી સિમિત ન રાખ્યો પરંતુ તેમણે લગ્ન પણ તેની સાથે કર્યા અને આજે પણ તે બંને સાથે છે.
રજનીકાંત અને લતાની લવ સ્ટોરી
રિપોર્ટ્સ અનુસાર લતાની પહેલા રજનીકાંતના જીવનમાં મેડિકલ સ્ટુડન્ટ નિર્મલા આવી હતી. જ્યારે તેઓ બસ કંડક્ટર હતા ત્યારે તે નિર્મલાને ડેટ કરતા હતા. ઘણી જગ્યાએ રજનીકાંતે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નિર્મલાએ જ તેમને એક્ટિંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. અધ્યર ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટનું ફોર્મ પણ નિર્મલાએ જ ભરાવ્યું હતું અને તેમાં પસંદગી પણ થઈ હતી. આ પછી રજનીકાંત ફિલ્મો કરવામાં અને નિર્મલા તેના મેડિકલ અભ્યાસમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે બંનેનો સંપર્ક તૂટી ગયો.
વર્ષો પછી રજનીકાંતના જીવનમાં અન્ય એક છોકરી આવી, જેનું નામ છે લતા રંગાચારી છે. લતાએ એથિરાજ કોલેજ ઓફ વુમનમાં અભ્યાસ કર્યો હતો અને કોલેજ મેગેઝિન માટે રજનીકાંતનું ઈન્ટરવ્યુ લેવા માટે તેની પસંદગી કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, રજનીકાંતને લતા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.
ઇન્ટરવ્યુમાં જ થયો પ્રેમ
ઈન્ટરવ્યુ પૂરો થતાં જ રજનીકાંતે લતાને સીધું જ લગ્ન માટે પ્રપોઝ કર્યું. પહેલા લતા નર્વસ હતી પરંતુ તે સમયે રજનીકાંત સ્ટાર બની ગયા હતા તેથી લતા ના પાડી શકી નહીં. તેણે કહ્યું કે તેણે લગ્ન માટે તેના માતા-પિતા સાથે વાત કરવી પડશે અને રજનીકાંતે તેના માતા પિતા સાથે વાત કરી. રજનીકાંતે લતા સાથે 6 ફેબ્રુઆરી 1981ના રોજ તિરુપતિના બાલાજી મંદિરમાં લગ્ન કર્યા હતા. લતા અને રજનીકાંત હજુ પણ સાથે છે અને ખુશ છે. તેમની બે દીકરીઓ છે. એક છે ઐશ્વર્યા અને સૌંદર્યા. તેઓ બંને પણ ફિલ્મ લાઇન સાથે સંકળાયેલી છે.
ભારતીય સિનેમાની ‘થલાઈવા’ 74 વર્ષના થયા
રજનીકાંતનું મૂળ નામ તો શિવાજી રાવ ગાયકવાડ છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ કર્ણાટકના મૈસૂરમાં એક મરાઠી હિંદુ પરિવારમાં થયો હતો,. જો કે સામાન્ય રીતે લોકો તેમને રજનીકાંતથી જ ઓળખે છે. રજનીકાંતના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા અને માતા ગૃહિણી. રજનીકાંતે સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને પરિવારનું ભરણપોષણ કરવા બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું હતું. રજનીકાંત બસમાં જ મુસાફરોના મનોરંજન માટે કંઈકને કંઇક કરતા રહેતા હતા અને આવુ કરવુ તેમને સારુ લાગતું હતું,
ત્યારે જ તેમને ફિલ્મોમાં જવાનો વિચાર આવ્યો અને નસીબજોગે તેમને ફિલ્મ મળી. રજનીકાંતની પહેલી તમિલ ફિલ્મ અપૂર્વા 1975માં રીલિઝ થઈ હતી જેમાં તેનો નાનકડો રોલ હતો. આ પછી રજનીકાંતનો સિક્કો જામ્યો અને પોતાની મહેનતથી તેમણે ભારતીય સિનેમામાં પોતાનું નામ નોંધાવ્યું.