- પુરવઠા મંત્રીએ ગોડાઉનમાં ચેકિંગ કર્યાના કલાકોમાં જ થયેલા કૌભાંડના ગાંધીનગરમાં ઘેરા પડઘા
- ગોડાઉન મેનેજર, કોન્ટ્રાક્ટર અને ડિલિવરી મેનની પણ શંકાસ્પદ ભૂમિકા, કલેકટર પાસેથી રિપોર્ટ મંગાયો
- આખો દિવસ ગોડાઉનમાં પડયા પાથર્યા રહેતા એક દુકાનદારે કારસ્તાન કર્યું હોવાની ચર્ચા
રાજકોટમાં શનિવારે પુરવઠા મંત્રીએ રેલવે સ્ટેશન પાસે આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં ચેકિંગ કર્યાના કલાકોમાં જ સરકારી તેલનું ખાનગી વાહનમાં વિતરણ કરવામાં આવ્યું હોવાના બનાવમાં ગાંધીનગરથી ડે. સેક્રેટરી સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સરકારે ફાળવેલા 800(8000 લિટર)થી વધુ તેલના બોક્સનું બારોબાર વેચાણ થયું હોવાની અને 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારોના નામ ખૂલ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, પુરવઠા નિગમના ગોડાઉનમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશનના એક હોદ્દેદારનો અત્યંત નિકટનો સસ્તા અનાજના દુકાનદારે ડેરાતંબુ નાખ્યા છે. આ દુકાનદારની હાજરી સસ્તા અનાજની દુકાનમાં ઓછી અને ગોડાઉનમાં વધુ હોવાની ચર્ચા છે. પુરવઠા નિગમમાં નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો મોટું ષડયંત્ર બહાર આવે તેમ છે. એટલું જ નહીં તેલના ખેલ પાછળ પણ આ જ દુકાનદારનું કારસ્તાન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગોંડલ પાસે આવેલી મિલમાંથી તેલનો જથ્થો રાજકોટ ગોડાઉનમાં આવી પહોંચ્યાની જાણ પુરવઠા નિગમના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા બાદ સસ્તા અનાજના દુકાનદારો ખાનગી વાહન લઈને પોતાનો જથ્થો લઈને રવાના થઈ ગયા હતા. બાદમાં એક ટ્રકમાં અન્ય તેલનો જથ્થો હતો તેનો બારોબાર વહીવટ શહેરના 10 જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
શનિવારે બપોર પછી તેલનું વિતરણ કરવામાં આવ્યા બાદ આખો મામલો પ્રકાશમાં આવતા અને ફરિયાદ પુરવઠા મંત્રી સુધી થતા રાત્રિના જ ગાંધીનગરથી પુરવઠા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સહિતની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બીજા દિવસે રવિવારે વધુ એક ટીમ ગાંધીનગરથી રાજકોટ આવી હતી અને તે પણ તપાસમાં જોતરાઈ હતી. આ બન્ને ટીમોએ ઝીણવટભરી તપાસ કરી કેટલાક પુરાવા એકત્ર કર્યા છે.
એવી પણ વિગત જાણવા મળી છે કે, ગોડાઉનમાં જ્યારે સરકારની માલની ગાડી આવે કે જાય ત્યારે તેનું ચકાસણી કરવામાં આવતી નથી. તેલના બોકસમાં પણ આવુ થયું છે, ટ્રકમાં કેટલા બોકસ હતા ? કોણે ગણ્યા ? તેની વિગત જ નથી આથી ગોડાઉન મેનેજર, કોન્ટ્રાક્ટર અને ડિલિવરી મેનની પણ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા હોવાના ગાંધીનગરની ટીમને પુરાવા મળ્યા છે. આગામી એક બે દિવસમાં જ આ મામલે કંઈક નવાજૂની થાય તેવા દિશા નિર્દેશ પણ મળી રહ્યા છે.
ખાનગી વાહનમાં વિતરણ થયું એ પ્રક્રિયા ખોટી છેઃ કલેક્ટર
પુરવઠા ગોડાઉનમાં સરકારી અનાજ અને તેલનો જથ્થો બારોબાર વિતરણ થતો હોવાના બનાવમાં ગાંધીનગર પુરવઠા વિભાગે રાજકોટ કલેકટર પાસેથી પણ અહેવાલ માંગ્યો છે. આ મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જ ખાનગી વાહનમાં માલનું વિતરણ થઈ રહ્યું હતું. તે પ્રક્રિયા ખોટી છે, હજુ તપાસ ચાલી રહી છે, એકાદ બે દિવસમાં ગાંધીનગર પુરવઠા વિભાગને તપાસ અહેવાલ મોકલી દેવામાં આવશે.
મામલતદારે કહ્યું, ફોટા ન છપાવવા જોઈએ, બાકી બધું સેટિંગ થઇ જશે
પુરવઠા નિગમના ગોડાઉનમાં સરકારીને બદલે ખાનગી વાહનમાં સરકારના અનાજ અને તેલનું કરવામાં આવતા વિતરણના ફોટા પાડવામાં આવતાં નિગમના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી, બાદમાં મામલતદારે આ બનાવ ઉપર ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, આ બનાવના ફોટા છપાવવા ના જોઈએ, બાકી બધું સેટિંગ થઇ જશે.
એકાદ દિવસમાં રિપોર્ટ આવી જશે, કોઈને છોડવામાં નહીં આવે
પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના ગોડાઉનમાં ચાલતી લાલિયાવાડી અંગે શનિવારે જ પુરવઠા વિભાગના સેક્રેટરીને તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. તે પછી બે ટીમોએ રાજકોટમાં તપાસ હાથ ધરી છે. પરંતુ તહેવાર અને રજાના કારણે રિપોર્ટ જાણી શકાયો નથી, એકાદ દિવસમાં રિપોર્ટ આવી ગયા બાદ જે કોઈ આ ખેલમાં સામેલ હશે તે કોઈને છોડવામાં આવશે નહીં.
વેપારીઓને બચાવવા એસોસિયેશન મેદાનમાં આવ્યું
ગરીબોના અનાજ અને તેલનું કાળાબજારના કારસ્તાનમાં સસ્તા અનાજના વેપારીઓ નીકળતા તેને બચાવવા રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશન મેદાનમાં આવ્યું છે. એસોસિએશને તેની યાદીમાં સત્તાવાર જાહેર કર્યું છે કે, તેલના ખેલમાં રાજકોટના 10 વેપારીઓ ત્યાં હાજર હતા. રેશનકાર્ડ ધારકોની માગણી સમયસર સંતોષાય તેવા શુભ આશ્રયથી અને સહકારની ભાવનાથી સીંગતેલનો જથ્થો ભાડાના વાહનથી મેળવેલ હતો. આ જથ્થો કોઈપણ પ્રકારે ગેરવલ્લે ગયો નથી.
Source link