GUJARAT

Rajkot: રાજકોટમાં દિવાળીની રાત બની લોહિયાળ, ફટાકડા ફોડવાની બાબતે યુવકની હત્યા

રાજકોટમાં દિવાળીની રાત સર્વેશ્વર ચોકમાં મારામારીની ઘટના લોહિયાળ બની છે. ફટાકડા ફોડવાની બાબતે મારામારીની ઘટનામાં એક યુવકનું મોત, બે ઘાયલ થયા હતા. ઘાયલ યુવકોને સારવાર હેઠળ ખસેડાયો છે. સમગ્ર મામલે A-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં દિવાળીની રાત લોહિયાળ બની છે. શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક મોડી રાત્રીના સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થતા આ બનાવે મામલો વધુ ગરમાતા મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમાં બલીસ પાજીદા ધાબાના સંચાલક બલી દ્વારા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી છે જયારે આ માથાકૂટમાં અન્ય બે યુવાન ઈજાગ્રસ્ત થયા છે. હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ ગઈકાલે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ આ ખુશીનો તહેવાર રાજકોટના સરવૈયા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. ગઇકાલે રાત્રીના 3 વાગ્યા બાદ રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટ લોહિયાળ બની હતી. જેમાં કાર્તિક સરવૈયા, કેતન વોરા અને પ્રકાશ સરવૈયા નામના યુવાન સાથે રાજકોટના બલીસ પંજાબી ધાબાના સંચાલક અમનદિપ ઉર્ફે બલી દ્વારા માથાકૂટ કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાર્તિક સરવૈયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું જયારે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને હત્યામાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી અમનદિપ ઉર્ફે બલી હત્યા ને અંજામ આપી નાસી છૂટ્યો છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મરણજનાર તેમજ સાહેદોને ફટાકડાં ફોડવા બાબતે આરોપી સાથે ઝઘડો થયેલ અને તુરંત સમાધાન થઈ ગયેલ પરંતુ તેના અડધાં કલાક પછી મરણજનાર જ્યાં ફટાકડાં ફોડતા હતા ત્યાં આરોપી અમનદીપ ઉર્ફે બલી પોતાની ઇનોવા કાર લઈને આવેલ અને મરણજનાર યુવક તેમજ સાહેદો પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી બાદ છરી વડે ઈજા કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button