GUJARAT

Rajkot: દશેરા પહેલા આરોગ્ય તંત્રની કાર્યવાહી, મીઠાઈ અને ફરસાણના વેપારીઓ પર દરોડા

નવરાત્રિનો તહેવાર પૂર્ણ થવાને આરે છે. નવરાત્રિ અને દશેરા નિમિત્તે રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. દશેરા પર ગુજરાતીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતાં હોય છે. ત્યારે આરોગ્ય વિભાગના દ્વારા રાજકોટમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. રાજકોટમાં આજે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દશેરા પહેલા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડેરી, મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાં ચેકિંગ

રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં સિતારામ વિજય પટેલ ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરીને ઘી અને મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે. વાણિયાવાડી વિસ્તારમાં આવેલ સિતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાં છાસમાંથી મલાઈ કાઢી બનાવેલા ઘી 1 કિલોના 800 રૂપિયા, ગાયનું ઘી 1 કિલો 640 રૂપિયા, ભેંસના ઘીના 1 કિલોના 580 રૂપિયા તેમજ અલગ-અલગ મીઠાઈમાં પણ કલરનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

નમૂના લઈ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવશે

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ઘી અને મીઠાઈ-ફરસાણના નમૂના લઈ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવશે. મહત્વનું છે કે, હાલમાં નવરાત્રીનો તહેવાર હવે તેના અંતિમ ચરણ તરફ છે. દશેરાનો તહેવાર નજીક હોઈ તેમજ આવનારા દિવસોમાં દિવાળીના તહેવારના દિવસો હોઈ રાજ્યમાં ફરસાણની દુકાનોમાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગવાની છે. અવનવી મીઠાઈઓ, જલેબી, ફાફડા અને ગાંઠિયાની ગુજરાતીઓ દિલથી જયાફત ઉડાવશે.

મીઠાઈ અને ફરસાણનું કરવામાં આવી રહ્યું છે ચેકીંગ

દશેરામાં ઉંધિયું પણ લોકોની દાઢે વળગશે અને સુરતમાં ચંદી પડવાના અવસરે ઘારી લોકોની દાઢ દળકાવશે. ત્યારે આ દિવસોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને તેમને મિલાવટી ખાણીપીણી ન ખાવી પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરતમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતો સેલ્સમેન ઝડપાયો

નોંધનીય છે કે, સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતુ. ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે. દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button