ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને વધુ 5 અત્યાધુનિક એસી વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વોલ્વોની 15 આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથદ્વારા માટે પણ દૈનિક દોડશે. 47 સિટિંગ કેપેસિટીની આરામદાયક પુશ બેકસીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી, ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલર સિસ્ટમની સાથે સ્મોક ડિટેક્ટર અલાર્મ સહિતની સુવિધા સાથેની રૂ.1.40 કરોડની બસમાં વિમાનની જેવી સુવિધા છે.
5 વોલ્વો બસ રાજકોટ ST વિભાગને મળી
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે માટે સૌપ્રથમ વર્ષ 2010થી અમદાવાદ-વડોદરા વચ્ચે 10 હાઈટેક પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકવામાં આવ્યા હતા. આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા એસટી નિગમ દ્વારા ઉત્તરોતર વધારો કરી દિવાળી દરમિયાન 10 નવી વોલ્વો ફાળવવામાં આવી હતી. ત્યારબાદ વધુ 5 વોલ્વો બસ એસટી વિભાગને મળી છે. જેમાં 3 બસ રાજકોટથી ભુજ અને 2 બસ દરરોજ રાજકોટથી નાથદ્વારા દોડાવવામાં આવશે.
રાજકોટથી ભુજ જતી વોલ્વો બસનું ભાડું રૂ. 634 રૂપિયા
રાજકોટથી ભુજ સાદી એસ.ટી બસ પોણા સાત કલાકમાં પહોંચાડે છે, જ્યારે નવી એસટી વોલ્વો બસ માત્ર 6 કલાકમાં ભુજ પહોંચાડશે જેનું ભાડું રૂ. 634 છે. જે વાયા મોરબી, સામખીયાળી, ગાંધીધામ અને ભચાઉ થઈને જશે. જ્યારે રાજકોટથી નાથદ્વારા રૂટની નવી એસટી વોલ્વો બસ 12 કલાકમાં પહોંચાડશે જેનું ભાડું રૂ. 1,371 છે. જે વાયા મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપુર થઈને જશે.
મુસાફરો માટે લક્ઝુરીયસ બેઠક વ્યવસ્થા
રાજકોટથી ભુજ જતી નવી એસી વોલ્વો બસનું ઉદ્ઘાટન કરતાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી બસટોપ ખાતેથી નવી 5 બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જેમાં 3 ભુજની અને 2 નાથદ્વારાની છે. આ વોલ્વો બસમાં આરામદાયક બેઠક વ્યવસ્થા અને સીસીટીવીની સાથે ફાયર સેફ્ટીની પણ સુવિધા આપવામાં આવી છે. 1.40 કરોડની કિંમતની આધુનિક બસમાં મુસાફરો માટે લક્ઝુરીયસ બેઠક વ્યવસ્થા છે. જેથી મુસાફરોએ સલામત અને આધુનિક સવારી ગણાતી એસટી બસની મુસાફરી કરવી જોઈએ.
દૈનિક આવક અંદાજે રૂપિયા 10 લાખ
રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા હાલ 90 જેટલી ઇલેક્ટ્રીક એસી બસ અને 54 જેટલી એસી વોલ્વો બસની ટ્રીપ દોડે છે એટલે કે દરરોજની 144 ટ્રીપ દોડે છે. નવી 5 વોલ્વો બસ શરૂ થતાની સાથે જ હવે રાજકોટ એસટી ડિવિઝન પાસે 21 ઈલેક્ટ્રીક એસી અને 28 એસી બસ છે. જેમાં એસી વોલ્વો બસ અમદાવાદ, વડોદરા, ભુજ અને નાથદ્વારા રૂટ ઉપર દોડે છે તો ઇલેક્ટ્રીક એસી બસ મોરબી, જુનાગઢ અને જામનગર રૂટ ઉપર દોડે છે. જેનાથી દૈનિક આવક અંદાજે રૂપિયા 10 લાખ જેટલી થાય છે.
નવી વોલ્વો બસનો રૂટ અને સમય રૂટ – સમય
• રાજકોટથી ભુજ – 06: 00, 12:30, 17:30
• ભુજથી રાજકોટ – 05:00, 10:00, 13:00
• રાજકોટથી નાથદ્વારા – 16:30
• નાથદ્વારાથી રાજકોટ – 16: 30
નવી વોલ્વો બસમાં સુવિધા
• 47 સિટિંગ કેપેસિટી
• 2 *2 લેધર અને આરામદાયક પુશ બેક સીટ
• CCTV કેમેરા
• મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી
• ફાયર સેફ્ટી માટે અધ્યતન સ્પ્રીંકલર સિસ્ટમ
• સ્મોક ડિટેક્ટર અલાર્મ
• LED ટીવી
• એક્ઝોસ્ટ ફેન સાથેના 2 હેચ (મૂવેબલ)
• ઈમરજન્સી એક્ઝિટ ડોર
હવે રાજકોટથી ક્યા રૂટ પર કેટલી નવી વોલ્વો બસ?
• અમદાવાદ – 07
• વડોદરા – 03
• ભૂજ – 03
• નાથદ્વારા – 02
• કુલ – 15
Source link