તાંત્રિક અને સીરીયલ કિલર નવલસિંહ ચાવડા દ્વારા કુલ 12 જેટલી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે 12 પૈકી 4 હત્યા માત્ર એક જ પરિવારના વ્યક્તિઓની કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને નવલસિંહ ચાવડા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન બાદ રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસની પૂછપરછમાં થયા મોટા ખુલાસા
પડધરી પોલીસ દ્વારા ત્રણ ત્રણ વ્યક્તિઓની હત્યામાં નવલસિંહ ચાવડાનો સાથ આપનારા જીગર ગોહિલ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં જીગર ગોહિલે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય એસપી હીમકર સિંહ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગવતી પરા વિસ્તારમાં રહેતા મુકાસમ પરિવારના સભ્યો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ભુવા તરીકે પ્રખ્યાત નવલસિંહ ચાવડામાં ખૂબ જ આસ્થા ધરાવતા હતા. પરિવારજનો છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકળામણ પણ અનુભવતા હતા.
દીકરી પાછી આવી જાય તે માટે કરાવી તાંત્રિક વિધિ
તેવામાં માર્ચ 2024માં મુકાસમ પરિવારની દીકરી નગ્મા ગાયબ થઈ જતા પરિવાર પોતાની દીકરીની શોધખોળમાં લાગ્યો હતો તો સાથ જ તેઓ નવલસિંહ ચાવડા પાસે દીકરી પાછી આવી જાય તે માટે તાંત્રિક વિધિ પણ કરાવતા હતા. પરંતુ પરિવારના વ્યક્તિઓ જ્યારે નવલસિંહ પાસે તાંત્રિક વિધિ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે તેમની જે દીકરી માટે તેઓ નવલસિંહ પાસે જે તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે, તે દીકરીની હત્યા તો નવલસિંહ અગાઉ પોતાની પત્ની, પોતાના ભાણેજ તેમજ પોતાના દૂરના સગા જીગર ગોહિલ સાથે મળીને કરી ચૂક્યો છે તો સાથે જ નગમાની હત્યા કરી તેના લાશના ટુકડે ટુકડા કરી તેને મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડો ખોદીને દાંટી દેવામાં આવ્યા છે.
પોલીસ પકડી લેશે તે ડરથી નવલસિંહ ચાવડાએ પરિવારને ગોળગોળ ફેરવ્યો
નગમા મુકાસમના પિતા કાદર મુકાસમ પોતાની દીકરીનો પત્તો ન લાગતાં તેઓ નવલસિંહ ચાવડાને કહેતા હતા કે, મારે પોલીસમાં જાણ કરવી છે. ત્યારે નવલસિંહ ચાવડાને ડર હતો કે, જો નગમા મુકાસમ ગુમ થયા બાબતની તપાસ પોલીસ કરશે તો ક્યારેકને ક્યારેક પોલીસ તેના સુધી પણ પહોંચી શકે તેમ છે. ત્યારે પોતાના સુધી ક્યારેય પોલીસ પહોંચે જ નહીં તેના માટે નવલસિંહ ચાવડા દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે પ્લાન અંતર્ગત તેણે કાદર મુકાસમ અને તેના પરિવારને જેતપુર વિસ્તારમાં આવેલી એક દરગાહ ખાતે તાંત્રિક વિધિ કરવા માટે લઈ ગયો હતો તો સાથે જ મુકાસમ પરિવારના સભ્યોને વિશ્વાસ પણ અપાવ્યો હતો કે, તમારી ગુમ થયેલી દીકરી પાછી આવી જશે. તમારી આર્થિક સંકળામણ દૂર થઈ જશે તો સાથો સાથ દીકરા આસિફનું સગપણ પણ થઈ જશે આ પ્રકારની લાલચ પણ આપવામાં આવી હતી.
આત્મહત્યા કરવા પાછળ કોઈનો હાથ ન હોય તેવું લખાણ લખ્યું
21મી મે 2024ના રોજ જેતપુર ખાતે તાંત્રિક વિધિ પૂર્ણ કર્યા બાદ નવલસિંહ ચાવડા મુકાસમ પરિવારના સભ્યોને રાજકોટ ગ્રામ્યના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવ્યો હતો. જ્યાં રામપર ગામના જંગલ વિસ્તારમાં સાંજ પડી જતા મેલડી માંનો પ્રસાદ છે તેમ કહી ઝેરી દવા પીવડાવી બનાવ આત્મહત્યામાં ખપાવી દીધો હતો તો સાથે જ અગાઉથી પ્લાન કર્યા મુજબ પોતાની સાથે ચોટીલાથી એક કાગળ લઈને આવ્યો હતો. જેમાં પરિવાર આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોય તેમજ આત્મહત્યા કરવા પાછળ કોઈનો હાથ ન હોય તેવું લખાણ લખ્યું હતું. જેથી પોલીસે પણ પ્રાથમિક તબક્કે પરિવારના ત્રણેય સભ્યોની આત્મહત્યા પાછળ અન્ય કોઈ જ વ્યક્તિ જવાબદાર ન હોવાનું જણાઇ આવ્યું હતું.
Source link