GUJARAT

Rajkot: રાજકોટવાસીઓની મજા પર પાણી ફરી વળ્યું! લોકમેળો બંધ કરવામાં આવ્યો

  • MLA ઉદય કાનગડની દરમ્યાનગીરીથી નિર્ણય
  • સ્ટોલ, રાઈડ્સ સંચાલકોની કલેક્ટરને કરી રજૂઆત
  • જિલ્લા કલેક્ટરે સ્ટોલ ધારકોને બાંહેધરી આપી

જન્માષ્ટમીના પર્વનું અનેરું મહત્ત્વ સૌરાષ્ટ્રમાં સમાયેલું છે. આ તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભાતીગળ લોકમેળાના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં આ વખતે સૌરાષ્ટ્રવાસીઓની મજા પર પાણી ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસતા રાજકોટનો લોકમેળો બંધ કરવાનો નિર્ણય કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે.

રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડની દરમ્યાનગીરીથી લોકમેળો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોલ ધારકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. જેને લઈને કલેક્ટર દ્વારા ભરેલા પૈસા પરત કરી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી લોકમેળામાં કાગડા ઉડી રહ્યા હતા અને માત્ર એકલ દોકલ લોકો મેળામાં નજરે પડી રહ્યા હતા. સામાન્ય રીતે સાતમ અને આઠમ બે દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકમેળામાં ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે વરસાદના કારણે લોકમેળો ફીકો બની ગયો હતો. લોકમેળાના મેદાનમાં એકથી બે ફૂટ જેટલા પાણી ભરાય ગયા છે.

4 દિવસ વધારવા રાઈડ્સ સંચાલકોની કલેકટર સમક્ષ માગ હતી

રાજકોટમાં રેસકોર્સ મેદાનમા જન્માષ્ટમીના લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત કડક નિયમોને કારણે રાઇડસ વિનાનો મેળો શરૂ થયો હતો અને બાદમા સતત બે દિવસ સુધી વરસાદને લીધે મેળો ધોવાઈ ગયો અને વેપારીઓને લાખોની નુકશાની ભોગવવાનો સમય આવ્યો છે. દરમિયાન મોટી 31 રાઈડસ શરૂ કરવામાં આવી ન હતી. રાજકોટ કલેક્ટર પ્રભવ જોષી સાથે રાઈડસ સંચાલકોની બેઠક હતી. જેમાં માર્ગ અને મકાન યાંત્રિક વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ સહીતની પૂર્તતા કરવા આદેશ કરાયો હતો. બાદમા રાઈડસ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતુ. આ વખતે રાઈડસ સંચાલકો દ્વારા મેળો 4 દિવસ લંબાવવા માગ કરવામા આવી હતી. એટલે કે 24 ઓગસ્ટથી શરૂ થયેલો ધરોહર લોકમેળાના દિવસો 28 ઓગષ્ટથી વધારી 1 સપ્ટેમ્બર સુધી લંબાવવા માગ કરવામા આવી હતી. જોકે દિવસો વધારવાની જગ્યાએ બંધ કરી દેવાનો નિર્ણય કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે.

દર વર્ષે 5 લાખથી વધુ લોકો આવતા હોય છે

સામાન્ય રીતે સાતમ અને આઠમના દિવસ દરમિયાન સવારથી લઈ રાત્રિના 12 વાગ્યા સુધી હૈયે હૈયું દળાઇ તે રીતે 5 લાખથી વધુ લોકો રાજકોટના લોકમેળાની મજા માણતા હોય છે. મેળામાં દર વર્ષે બાળકોની ચિચિયારી, અવનવા ગીતો તેમજ પરિવારજનો અને મિત્રો સાથે આંનદ અને ઉલ્લાસના દૃશ્યો નજરે પડતા હોય છે. પરંતુ આ વખતે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજકોટના લોકમેળા પર પાણી ફરી વળ્યું છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના કારણે સ્ટોલધારકો અને રાઇડ્સ સંચાલકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button