- સોમવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાશે
- બજારમાં રાખડીઓની ખરીદીની જોરદાર ભીડ જામી
- આ વખતે ચીનમાં બનેલી રાખડીઓ બજામાં જોવા નથી મળી રહી
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો ભાઈના કાંડે રાખડી બાંધી પોતાના રક્ષણનું વચન લેતી હોય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર સોમવારે ઉજવવામાં આવશે. દેશના વેપારીઓના ટોચના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે જણાવ્યું કે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર દેશમાં 12 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની આશા છે.
બજારમાં રાખડીઓની ખરીદીની જોરદાર ભીડ જામી છે અને લોકોમાં તહેવાર પ્રત્યે ખૂબ ઉત્સાહ પણ છે. ગત ઘણા વર્ષોથી દેશમાં સ્વદેશી રાખડીઓ વેચાઈ રહી છે અને આ વર્ષે પણ ચીનની બનેલી રાખડીઓની કોઈ માંગ નથી અને બજારમાં ચીની રાખડીઓ જોવા પણ નથી મળી રહી. કન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એટલે કેટની વૈદિક કમિટીના અધ્યક્ષ ઉજ્જૈનના પ્રસિદ્ધ આચાર્ય દુર્ગેશ તારે જણાવ્યું કે સોમવારે 19 ઓગસ્ટે બપોરે 1.30 વાગ્યે ભદ્રાકાળ છે જેમાં કોઈપણ મંગળ કાર્ય નિષેધ છે. જેથી દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર બપોરે 1.31 મિનિટથી જ ઉજવાશે. કેટની આ પ્રકારની એડવાઈઝરી આજે દેશના તમામ વેપારી સંગઠનોને મોકલામાં આવી અને કહેવાયું છે કે વેપારી શુભ સમયમાં જ રક્ષાબંધન પર્વ ઉજવે.
દર વર્ષે વેપારમાં સતત વૃદ્ધિ
કેટના રાષ્ટ્રીય મહામંત્રી તથા ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે જે રીતે ગત દિવસોથી રાખડીઓની માંગમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા આ વર્ષે 12 હજાર કરોડ રૂપિયાની રાખડીઓના વેપાર થવાની આશા છે. જ્યારે ગત વર્ષે આ વેપાર આશરે 10 હજાર કરોડ રૂપિયાનો હતો. જ્યારે વર્ષ-2022માં આશરે સાત હજાર કરોડ રૂપિયાનો હતો. વર્ષ-2021માં આ વેપાર છ હજાર કરોડ રૂપિયાનો હતો. જ્યારે વર્ષ-2020માં પાંચ હજાર કરોડ રૂપિયાનો થયો હતો. વર્ષ-2019માં આ વેપાર 3500 કરોડ, તેમજ 2018માં ત્રણ હજાર કરોડ રૂપિયાનો રાખડીઓનો વેપાર થયો હતો.
દેશના વિવિધ પ્રદેશની વિવિધ રાખડી
સાંસદ ખંડેલવાલ અને કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયાએ જણાવ્યું કે આ વર્ષે રાખડીઓની એક વિશેષતા એવી પણ છે કે, આમાં દેશના જુદાજુદા શહેરોના જાણીતા ઉત્પાદોથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેમાં નાગપુરમાં બનેલી રાખડી, જયપુરમાં સાંગાનેરી કળા, પૂણેમાં બીજ રાખડી, એમપીના સતનામાં ઊની રાખડી, આદિવાસી વસ્તુઓથી બનેલી વાંસની રાખડી, આસામમાં ચા પત્તીની રાખડી. કોલકાતામાં જૂટની રાખડી. મુંબઈમાં રેશમની રાખડી, કેરળમાં ખજૂરની રાખડી, કાનપુરમાં મોતીની રાખડી, બિહાહમાં મધુબની અને મૈથિલી કળા રાખડી, બેંગલુરુમાં ફુલ રાખડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશને ગર્વ આપતી તિરંગા રાખડી, વસુધૈવ કુટુંબકમ રાખડી, ભારત માતાની રાખડી વગેરે સામેલ છે. જેની માંગ ખૂબ વધુ છે.
આ રક્ષાબંધનથી તહેવારોની શ્રેણી શરૂ થશે
મળતી માહિતી અનુસાર, એવી અપેક્ષા છે કે 19મી ઓગસ્ટના રક્ષાબંધનથી શરૂ કરીને 15મી નવેમ્બરના તુલસી વિવાહના દિવસ સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન દેશના બજારોમાં સામાનના વેચાણ દ્વારા રૂપિયા ચાર લાખ કરોડથી વધુની આવક થશે. ફેસ્ટિવલ વેચાણ મુખ્યત્વે ભારતીય માલસામાનની ખરીદી દ્વારા ચલાવવામાં આવે તેવી અપેક્ષા છે. આ વર્ષની તહેવારોની શ્રેણી રક્ષાબંધનથી શરૂ થશે અને જન્માષ્ટમી, 10-દિવસીય ગણેશ ઉત્સવ, નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, જેવા અન્ય તહેવારો સાથે તુલસી વિવાહના દિવસે સમાપ્ત થશે. છઠ પૂજા અને અન્ય લોકો આ તહેવારની શ્રેણી દરમિયાન ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશના તમામ રાજ્યોમાં વેપારીઓ માત્ર ભારતીય માલસામાનનું જ વેચાણ કરશે કારણ કે ગ્રાહકો પણ હવે ભારતીય વસ્તુઓની માંગ કરી રહ્યા છે. કેટ છેલ્લા ચાર વર્ષથી દેશમાં ખાસ કરીને તહેવારો દરમિયાન ભારતીય ઉત્પાદનોની ખરીદી સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે સફળ અભિયાન ચલાવી રહી છે.