હાલમાં તહેવારોનો સમય ચાલી રહ્યો છે. તેવામાં અયોધ્યામાં પણ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. કારણ કે અયોધ્યામાં રામલીલાનું આયોજન કરાયુ છે. જે 3 થી 12 ઑક્ટોબર સુધી યોજાશે. ભવ્ય રામલીલા મહોત્સવમાં ફિલ્મી અભિનેતા અને લોક કલાકારોનો જમાવડો જોવા મળશે. આ વખતે રામલીલા 42 થી વધુ ફિલ્મી હસ્તીઓ રામકથા પર્ફોમન્સ કરતી જોવા મળશે. જેમાં ભાજપના સાંસદ મનોજ તિવારીથી લઈને લોકગાયિકા માલિની અવસ્થી સુધીના નામ સામેલ છે.
કેવટના રોલમાં દેખાશે રવિકિશન
3જી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર સુધી અયોધ્યામાં રામલીલાનું આયોજન કરવામાં આવશે. આ રામલીલા નેશનલ હાઈવે પર સ્થિત શ્રી રામ ઓડિટોરિયમમાં કરવામાં આવશે. તેને જોતા વૈદિક રીતિ-રિવાજ મુજબ ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ રામલીલામાં ભોજપુરી અભિનેતા અને બીજેપી સાંસદ રવિ કિશન કેવટના રોલમાં જોવા મળશે, જ્યારે મનોજ તિવારી બાલીના રોલમાં જોવા મળશે.
ફિલ્મ સ્ટાર્સ રામલીલા ભજવશે
આ ઉપરાંત ફિલ્મ અભિનેતા રઝા મુરાદ પણ આ રામલીલામાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દમદાર અવાજ ધરાવતા રઝા મુરાદ રાવણના રોલમાં જોવા મળશે. જ્યારે રાકેશ બેદી રાજા જનકના રોલમાં જોવા મળશે. વેદમતીના રોલમાં ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રી, માલિની અવસ્થી શબરીની ભૂમિકા ભજવશે. ફિલ્મ અભિનેતા રાજ માથુર ભરતની ભૂમિકામાં જોવા મળશે.
પીએમ મોદીને અપાયુ આમંત્રણ
અયોધ્યામાં ફિલ્મ સ્ટાર્સની રામલીલાનું આયોજન કરી રહેલા અધ્યક્ષ સુભાષ ચંદ્રાએ કહ્યું કે આ રામલીલાના ઉદ્ઘાટન માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદી પહેલા દિવસે ભાગ લઈ શકે છે. તેમના સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અયોધ્યામાં દર વર્ષે ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવે છે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ વખત રામ નગરીમાં રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક ફિલ્મ કલાકારો ભાગ લેશે.
Source link