ખાનગી શાળાઓ તરફનો વાલીઓનો લગાવ અને સરકાર દ્વારા સમયસર ભરતી ન કરાતાં રોજે રોજ ગ્રાન્ટેડ શાળાઓના પાટિયાં પડી રહ્યાં છે.
આવી જ રીતે અમદાવાદ શહેરના બાપુનગરની રંજન હાઈસ્કૂલમાં પણ પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાથી વર્ગો બંધ કરવા અંગે ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે. ડીઈઓની નોટિસના પગલે વાલીઓ અને સ્કૂલના સંચાલકોએ એક વર્ષની મુદત માગી હોવાથી હવે હાલમાં સ્કૂલ બંધ કરવી કે કેમ એ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થીનો રેશિયો જળવાતો ન હોવાથી વર્ગ બંધ થશે. આ સ્કૂલમાં અભ્યાસ કરતાં 125 વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાઈ શકે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળા દીઠ વિદ્યાર્થી સંખ્યાનો રેશિયો નક્કી કરાયો છે. એ મુજબ શહેરની શાળામાં વર્ગ દીઠ 36 વિદ્યાર્થી હોવા ફરજિયાત છે. બાપુનગરની રંજન સ્કૂલમાં વર્ગદીઠ 36 વિદ્યાર્થી થતા નથી. ધો.9, 11 અને 12ના વર્ગમાં 25થી 30 જ વિદ્યાર્થી હોવાથી વર્ગ બંધ થશે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 150 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Source link