બોટાદ જિલ્લાના તાલુકા મથક રાણપુરમાં નવરાત્રિ ટાણેય માથાભારે તત્વોને જાણ કે છુટો દૌર મળ્યો હોય તેમ મંગળવારે ગરબામાંથી પરત ફરીને મિત્ર સાથે બેઠેલા વ્યક્તિ પર શહેરના માથાભારે તત્વોએ દેશી તમંચામાંથી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. સદ્દનસીબે તમંચો પડી જતા લાકડી વડે હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે જમીન પચાવી પાડવા તેમજ ખંડણી લેવા માટે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિકોમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. તેમજ આવા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠવા પામી છે.
બનાવની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ રાણપુરમાં મંગળવારે રાત્રિના આશરે 12 કલાકની આસપાસના સુમારે ગરબીમાંથી મુકેશ બાંભા તેમજ કિરીટભાઈ શાહ પરત આવી શહેરના બસ સ્ટેન્ડ વાળા મુખ્ય રોડ પર બેઠા હતા. તે દરમ્યાન બાઈક પર બે વ્યક્તિ ડીડી ઉર્ફે દિપક દિનેશ મકવાણા અને ગુલામ નબી યુનુસ દેસાઈ વોરા ધસી આવ્યા હતા. તેમની પાસે હથિયારમાં લાકડી અને દેશી તમંચો હતો અને આવી મુકેશભાઈ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન દેશી તમંચો પડી જતા લાકડી વડે મુકેશભાઈ પર હુમલો કરાયો હતો. જેમાં મુકેશભાઈને ઇજા થતાં બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તે પહેલાં હુમલો કરનારા નાસી છુટયા હતા. ચકચારી ઘટનાની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ કિરીટભાઈ શાહ પાસે ખેતીવાડીની જમીન છે અને મુકેશભાઈ તેમના અન્ય ધંધામાં ભાગીદાર અને ટ્રેકટર ચલાવે છે. કિરીટભાઈની જમીન ડી.ડી. ઉર્ફે દિપક દિનેશ મકવાણા પડાવી લેવા માંગતા હોય અગાઉ પણ બોલાચાલી થઈ હતી. આ મામલે પણ કિરીટભાઈ દ્રારા ડી.ડી. વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે મંગળવારે મોડી રાતની ઘટના અંગે કિરીટભાઈ નંદાલાલ શાહના પત્ની નીતાબેન દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે દિનેશભાઈ કાનજીભાઈ મકવાણા, દિપક ઉર્ફે ડીડી દિનેશભાઈ મકવાણા તેમજ ગુલાબનબી ઉર્ફે ગુલો યુનુશભાઈ પટેલીયા વિરુદ્ધ ગુનો નોંધીને જુદી જુદી ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે બુધવારે સવારે ઘટના સ્થળે જઈને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.
તારા પુત્રને પાંચ દિવસમાં પતાવી દેવાનો છે..ની ધમકી પણ આપી હતી
રાણપુરના મુખ્ય માર્ગ પર બેઠા હતા ત્યારે કિરીટભાઈ શાહ પર હુમલો કરનાર દિનેશ કાનજીભાઈ મકવાણાએ તેઓ તેમના પુત્ર અને પત્ની સાથે બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં ગરબા જોઈ રહ્યા હતા ત્યારે ત્યાં તેમની પાસે આવીને તારા પુત્ર દેવર્ષને પાંચ દિવસમાં પતાવી દેવાનો છેની ધાક-ધમકી આપીને કમરમાં ભરાવેલ તમંચો પણ બતાવ્યો હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કર્યો હતો.
Source link