SPORTS

‘જાડેજાના શબ્દોએ મને…’ સદી ફટાકાર્યા બાદ રવિચંદ્રન અશ્વિને કર્યો મોટો ખુલાસો

ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશે શરૂઆતમાં પકડ બનાવી હતી. ભારતના ટોપ ઓર્ડરને બાંગ્લાદેશના બોલરોએ સસ્તામાં આઉટ કરી દીધા હતા. આ મેચના પ્રથમ બે સેશન બાંગ્લાદેશના નામે રહ્યા હતા અને તેમણે 150 રન પહેલા ટીમ ઈન્ડિયાની 6 વિકેટો પાડી દીધી હતી. તેમ છતાં પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે 339 રન બનાવ્યા હતા.

જાડેજા–અશ્વિનની 195 રનની ભાગીદારી

ભારતને અહીં સુધી પહોંચાડવામાં જાડેજા અને અશ્વિને સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. અશ્વિને ટેસ્ટના પ્રથમ દિવસના અંત સુધીમાં 102 રન બનાવીને અણનમ રહ્યો હતો. જાડેજાએ પણ અણનમ 86 રન બનાવ્યા હતા. દિવસની રમત સમાપ્ત થયા પછી, અશ્વિને કહ્યું કે જાડેજાની એક સલાહે તેને સદી સુધી પહોંચવામાં મદદ કરી હતી.

જાડેજાનો અભિપ્રાય જે અશ્વિન માટે ઉપયોગી

અશ્વિને મેચ બાદ કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી સાથે વાત કરી હતી. અશ્વિને જણાવ્યું કે તેને જાડેજા તરફથી ઘણી મદદ મળી હતી. એક સમય એવો હતો જ્યારે પોતે થાક અનુભવતો હતો અને તે દરમિયાન જાડેજાએ તેની મદદ કરી હતી. જાડેજાએ તેને કહ્યું કે આપણે બે રનને ત્રણ રનમાં બદલવાની જરૂર નથી અને આ ફોર્મ્યુલાએ તેને સદી સુધી પહોંચવામાં મદદ કરી હતી. અશ્વિને કહ્યું કે તે ચેન્નાઈમાં તમિલનાડુ પ્રિમિયર લીગની T20 મેચ રમી ચૂક્યો છે, તેથી તેને પોતાની બેટિંગ પર વિશ્વાસ હતો. ચેન્નાઈની પીચ જોઈને તેણે રિષભ પંતની સ્ટાઈલમાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

અશ્વિનનું શાનદાર પ્રદર્શન

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની 6 વિકેટ પડી ગયા બાદ અશ્વિન બેટિંગ કરવા ઉતર્યો હતો. આ પછી અશ્વિને જોરદાર બેટિંગ કરી અને 58 બોલમાં અડધી સદી અને તે પછીના 50 બોલમાં સદી સુધી પહોંચી ગયો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વખત સદી ફટકારી હતી. ઉલ્લેખનિય છેકે આર અશ્વિને તેની છેલ્લી ટેસ્ટ સદી પણ ચેપોકમાં જ ફટકારી હતી. અશ્વિને 3 વર્ષ બાદ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર આવીને ફરી સદી ફટકારી હતી.

અશ્વિને બનાવ્યા આ રેકોર્ડ

અશ્વિન 8માં નંબર પર બેટિંગ કરીને 4 સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર છે. વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો ડેનિયલ વેટ્ટોરીએ પણ 8માં નંબર પર રમીને 4 સદી ફટકારી છે. આ ઉપરાંત પાકિસ્તાનના કામરાન અકમલે 3 સદી ફટકારી છે. સૌથી મોટી ઉંમરે ટેસ્ટ સદી ફટકારનાર અશ્વિન ચોથો ભારતીય ખેલાડી છે. અશ્વિને 38 વર્ષ અને 2 દિવસની ઉંમરમાં ટેસ્ટ સદી ફટકારી હતી. વિજય મર્ચન્ટે 40 વર્ષ અને 21 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button