- પાલનપુર, ડીસા, અંબાજી, વડગામ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ
- વરસાદે પાલનપુર -અંબાજી હાઇવેને પાણી પાણી કરી દીધો છે
- પાલનપુર અંબાજી હાઇવે પર ધનિયાણા ચોકડી નજીક ઢીંચણ સમા પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સર્વત્રિક મેઘમહેર જામી છે. જેમાં જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં સતત ત્રીજે દિવસે મેઘરાજએ ધમાકેદાર બેટિંગ કરી છે. પાલનપુરમાં અડધા કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ ખબક્યો અને આ વરસાદે પાલનપુર -અંબાજી હાઇવેને પાણી પાણી કરી દીધો છે. જેમાં અંબાજી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
પાલનપુર, ડીસા, અંબાજી, વડગામ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ
પાલનપુર અંબાજી હાઇવે પર ધનિયાણા ચોકડી નજીક ઢીંચણ સમા પાણી ભરાતા પાલનપુરથી અંબાજી અને અંબાજીથી પાલનપુર જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવવા મજબુર બન્યા છે. જો કે સામાન્ય વરસાદમાં જ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અને વહેલી તકે તંત્ર દ્વારા હાઇવે પર પાણીનો નિકાલ કરાય અને આગામી સમયમાં પાણી નિકાલની વ્યવસ્થા કરાય તેવી માગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ત્રીજા રાઉન્ડમાં પાલનપુર, ડીસા, અંબાજી, વડગામ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.
લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
પાલનપુરમાં વહેલી સવારથી જ પડી રહેલા વરસાદને લઈને મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે મફતપુરા વિસ્તારમાં અને ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જોકે એક તરફ મેઘમહેર અને બીજી બાજુ સુન્ધાજી પર્વત પાસે ભારે વરસાદને પગલે 4 લોકો તણાયા હતા જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો. વરસાદના પગલે પાલનપુર અંબાજી માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. પાલનપુરથી અંબાજી જતા માર્ગ પર ધનિયાણા ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે જ્યારે અંબાજીને જોડતો મુખ્ય માર્ગ હોઇ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાલનપુરમાં ધોધમાર વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી બાજુ ડીસામાં પણ બે દિવસથી વરસાદી માહોલ રહેતા બજારો પણ મોડેથી ખુલ્યા હતા. સવારે 6:00 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે 11:30 મિનિટે વિરામ લીધો હતો.
Source link