જૂનાગઢના માણાવદરનું માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે. માણાવદર માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યા છે.પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા નારાજગી સાથે શરૂ કરાયેલા પત્રયુદ્ધમાં હવે આક્ષેપ પ્રતીઆક્ષેપો થઈ રહ્યા છે અને વાર પલટવાર કરવામાં આવી રહ્યા છે.
માર્કેટીંગ યાર્ડ સુનસાન
માણાવદર માર્કેટિંગ યાર્ડની વર્ષ 1977 માં સ્થાપના થઈ હતી.પરંતુ 1981માં માણાવદર માર્કેટિંગ યાર્ડ ખૂબ જ એક્ટિવ થયું હતું જેમાં 1988થી પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા આ યાર્ડમાં ચેરમેન પદે રહ્યા હતા અને 2018 સુધી તેઓ ચેરમેન તરીકે યાર્ડમાં ફરજ બજાવતા હતા પરંતુ સરકારના નિયમ બદલાતા હાલ આ યાર્ડ ના ચેરમેન જગદીશ મારું છે.યાર્ડમાં અત્યારે 28 જેટલા લોકોનો સ્ટાફ કાર્યરત છે પરંતુ અહીં માત્ર દિવાળી પછી કપાસની જ ખરીદી કરવામાં આવે છે.માણાવદર માર્કેટિંગ યાર્ડ હાલ સુમસાન છે યાર્ડમાં અત્યારે ઠેર ઠેર દિવાલો પણ પડી ગઈ છે તેમજ યાર્ડમાં હાલ મોટા પ્રમાણમાં ઝાડ ઉગી ગયા છે.
માર્કેટમાં શેડ પણ નથી
ખેડૂત પોતાનો માલ લઈને અહીં આવે તો તેને રાખવા માટેના શેડ પણ જોવા મળતા નથી અને માણાવદર તાલુકામાંથી જે ખેડૂત અહીં આવે છે તેના માટે પૂરતી સુવિધાઓ પણ નથી ત્યારે અહીં માત્ર દિવાળી પછી કપાસની ખરીદી કરવામાં આવે છે પરંતુ હવે ગોંડલમાં સારા ભાવ મળતા ખેડૂતો ગોંડલ તરફ વળી ગયા છે.અગાઉ પહેલા શેડ સાથે બસો દુકાનો અને ખેડૂતો માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થતી પરંતુ સમય જતા આ તમામ વસ્તુઓ નાશ થઈ ગઈ અને હાલ માત્ર અહીં મેદાન જ જોવા મળે છે.
ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા નહી
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા સહકાર વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માને પત્ર પાઠવી રાજીવ ગાંધી માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ચાલતા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે.અહીં જેટલા કર્મચારીઓ છે તે તમામ મફતનો જ પગાર લે છે અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.આમ માણાવદર માર્કેટિંગ યાર્ડ હાલતો અત્યંત દયનીય હાલતમાં છે અને અહીં ખેડૂતોને માટે કોઈ વ્યવસ્થા છે જ નહીં તે સ્પષ્ટ જોઈ શકાય છે.
Source link