કપડવંજ નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાથી નગરની પ્રજા પરેશાન થઈ ગઈ છે.રખડતા કૂતરાઓનો આવતા-જતા રાહદારીઓ શિકાર બની રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા રખડતા કૂતરાને અંકુશમાં લેવા માટે પાંજરે પુરવાની જોગવાઈ કરે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે.
કપડવંજ નગરના નિવૃત્ત એસ.ટી.કંડક્ટર નવરંગભાઈ ત્રિવેદીને અત્રેના સામુહિક આરોગ્ય કેન્દ્રની બહાર રખડતા કૂતરાએ ત્રણ જેટલા બચકા ભરીને ઘાયલ કર્યા હતા.જેથી તેઓ રસી મુકાવવા માટે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા.તેમને રસીના બે ડોઝ આપ્યા બાદ રસીનો ત્રીજો ડોઝ લેવા માટે ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે રસી અહીં મુકવામાં નહીં આવે.તમારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જવું પડશે.જેથી ના છુટકે તેઓએ અમદાવાદ ખાતે સીંગરવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવવા જવું પડયું હતું.અગાઉ પણ કપડવંજ તાલુકાના લાલ માંડવામાં કૂતરાથી ગામના લોકો શિકાર બન્યા હતા ત્યારે પણ રસીના અભાવે તેમને બહારગામ રસી મુકવા મજબુર બનવું પડયું હતું.તો આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા રસીનો પુરતો ડોઝ રાખે તેવી તેમની તથા પ્રજાની માંગ છે.
નિવૃત્ત કંડક્ટરે કપડવંજ નગરપાલિકાને રખડતા કૂતરાના નિયંત્રણ માટે ફરીયાદ કરી છે.પરંતુ તેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.ખાસ કરીને વહેલી સવારે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ,મોર્નીંગ વૉક માટે નીકળતા નગરજનો,સિનિટર સીટીજનો શહેરમાં આવા રખડતા કૂતરાઓના ત્રાસથી ભય સાથે ઘરની બહાર નીકળી રહ્યા છે.અને દિવસના સમયમાં ગ્રામ્ય વિસ્તારની જનતા શહેરમાં આવે છે તેઓ પણ રખડતા કૂતરાના શિકાર બની રહ્યા છે.આમ કપડવંજ નગરમા રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવા છતાં તંત્ર જાણે મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હોય તેમ નગરજનો આક્ષેપ કરી રહ્યા છે.તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યનો નિકાલ આવે તેવી જનતાની લાગણી અને માંગણી છે.
Source link