આંબલી રોડ પર નશાની હાલતમાં બેદરકારીપૂર્વક કાર હંકારી વાહનોને અડફેટે લઇ એકથી વધુ વ્યકિતઓને ઇજા કરવાના અને વાહનોને નુકસાન પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં આરોપી કારચાલક રિપલ પંચાલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર છોડી મૂકયો છે. જો કે, કોર્ટે આરોપી પર આકરી શરતો લાદી છે જે મુજબ, કેસમાં ચાર્જશીટ ના થાય ત્યાં સુધી તે વાહન હંકારી શકશે નહી.
બીજી બાજુ, પોલીસ પણ અગાઉ પણ આ પ્રકારના વાહન અકસ્માત સર્જી નાગરિકોને ઇજા પહોંચાડનાર આરોપી રિપલ પંચાલનું લાયસન્સ રદ કરાવવાની તજવીજ હાથ ધરશે. બે દિવસ પહેલાં આંબલી રોડ પર પોતાની લક્ઝુરીયસ ઓડી કાર બેફામ અને બેદરકારીપૂર્વક નશાની હાલતમાં હંકારી નેક્સોન કારના માલિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વાહનને અડફેટે લીધી હતી, ત્યારબાદ એક એકટીવાચાલક મહિલાને ટક્કર મારી પાડી દીધી હતી અને આ સિવાય અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. આ બનાવ મામલે શહેરના એમ ડિવીઝન ટ્રાફ્કિ પોલીસમથકમાં આરોપી રિપલ પંચાલ વિરૂદ્ધ મોટર વ્હીકલ એકટ, બીએનસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે આજે આરોપી કારચાલક રિપલ પંચાલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં આરોપીએ તરત જ જામીન અરજી મૂકી હતી. જેનો સરકારી વકીલ આઇ.એ.નાગોરીએ જોરદાર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આરોપી આ પ્રકારને નશાની હાલતમાં બેફામ , બેદરકારીપૂર્વક અને પૂરપાટઝડપે વાહન હંકારી વાહન અકસ્માતો સર્જવાની ટેવવાળો છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારે અકસ્માતો સર્જી લોકોને ઇજાઓ પહોંચાડી છે. આવા આરોપીને નાગરિકોના જીવન જોખમમાં મૂકે તે પ્રકારે વાહન ચલાવવાની કે મુકત કરવાની પરવાનગી આપી શકાય નહી. આરોપી સામે ચાલુ વર્ષે જ અગાઉ આ પ્રકારના બે ગુનાઓ નોંધાઇ ચૂકયા છે.
Source link