દિલ્હી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામેની તેની આગામી મેચ માટે 17 જાન્યુઆરીએ પોતાની ટીમની જાહેરાત કરશે. આ મહત્વપૂર્ણ મેચમાં રિષભ પંતને રમતા જોઈ શકાશે. એવું માનવામાં આવે છે કે આ મેચ માટે દિલ્હી ટીમની કમાન પંતના હાથમાં રહેશે.
વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં પ્રવેશ કરશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પંત અને કોહલી બંનેનું પ્રદર્શન ખાસ ન હતું. પંતે હજુ પણ કેટલીક સારી ઈનિંગ્સ રમી, પરંતુ વિરાટ સંપૂર્ણપણે ફોર્મમાં ન હતો. સિરીઝના અંત પછી, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેમના સિનિયર ખેલાડીઓને રણજી રમવાની સલાહ આપી હતી.
કેપ્ટનશીપ કરી શકે છે રિષભ પંત
દિલ્હી ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે “કાલે બપોરે પસંદગી બેઠક છે અને એવું માનવામાં આવે છે કે રિષભ પંત સૌરાષ્ટ્ર સામેની મેચ માટે ટીમનો કેપ્ટન રહેશે.” ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીએ પુષ્ટિ આપી હતી કે પંત રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતો જોવા મળશે.
હર્ષિત રાણાનું નામ પણ આ લિસ્ટમાં હતું, પરંતુ તેને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જેના કારણે તે હવે આ મેચનો ભાગ રહેશે નહીં. વિરાટ કોહલી વિશે હજુ સુધી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી. કોહલી પોતાના ખરાબ ફોર્મને કારણે સતત શંકાના ઘેરામાં રહે છે.
સંઘર્ષ કરી રહ્યું છે દિલ્હી
રણજી ટ્રોફીમાં દિલ્હીની સ્થિતિ બહુ સારી નથી. ટીમના 5 મેચમાં ફક્ત 14 પોઈન્ટ છે. જો દિલ્હીને નોકઆઉટમાં સ્થાન મેળવવું હોય તો ટીમે સૌરાષ્ટ્ર અને રેલવે સામેની મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે. પંતના આગમનથી ટીમનો બેટિંગ ક્રમ ચોક્કસપણે મજબૂત બનશે. દિલ્હીની ટીમ ગ્રુપ-ડીમાં હાજર છે, જ્યાં તમિલનાડુ હાલમાં 19 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે ચંદીગઢ બીજા સ્થાને છે.