GUJARAT

Ahmedabad: TRP ગેમિંગ કાંડના પીડિતોને RMCના અધિકારીઓએ વળતર ચૂકવવું જોઈએ

  • સુઓ મોટો પિટિશનમાં હાઈકોર્ટે મૌખિક અવલોકન કર્યું
  • તત્કાલીન મ્યુનિ. કમિશનરોએ પણ 10-10 હજાર ચૂકવવા જોઈએ : HC
  • હાઇકોર્ટે આ તેમનો હાલ પૂરતો મત હોવાનું મૌખિક રીતે સ્પષ્ટ કર્યું હતું

રાજકોટ ટીઆરપી ગેમીંગ ઝોનના અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીના કેસમાં આજે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે મૌખિક રીતે બહુ મહત્વનો અભિપ્રાય વ્યકત કરતાં જણાવ્યું હતું

કે, આ કરૂણાંતિકામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોએ અંગત રીતે પોતાના ખિસ્સામાંથી દસ-દસ હજાર રૂપિયા વળતર ચૂકવી આપવું જોઇએ. જો કે, હાઇકોર્ટે આ તેમનો હાલ પૂરતો મત હોવાનું મૌખિક રીતે સ્પષ્ટ કર્યું હતું.

હાઇકોર્ટે એવી પણ મૌખિક ટકોર કરી હતી કે, આ સમગ્ર દુર્ઘટના મામલે રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારીમાંથી મુકિત આપી શકાય નહી. અલબત્ત હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરો મામલે રાજય સરકારની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય આપશે તેવું પણ સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ટીઆરપી ગેમીંગ ઝોન અગ્નિકાંડ મામલે નીમાયેલી ફેકટ ફાઇન્ડીંગ કમીટીના રિપોર્ટમાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો અમિત અરોરા અને આનંદ પટેલની જવાબદારી બનતી નહી હોવાનું તારણ આપ્યું હતું.

જો કે, હાઇકોર્ટે પોતાના મૌખિક અભિપ્રાયમાં સ્પષ્ટ કર્યું હતું કે, રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને આ દુર્ઘટના માટેની જવાબદારીમાંથી મુકિત આપી શકાય નહી. આ કેસમાં આજે પીડિત પરિવારો તરફ્થી વધુ વળતર મામલે કરાયેલી રજૂઆત કરાઇ હતી. પીડિત પરિવારોને રાજય સરકાર અને ગેમ ઝોનના સંચાલકો તરફ્થી વળતર ચૂકવાયું હોવા બાબતે અદાલતનું ધ્યાન દોરાયુ હતું ત્યારે ચીફ્ જસ્ટિસની ખંડપીઠે પૃચ્છા કરી હતી કે, રાજકોટ મ્યુનિસપિલ કોર્પોરેશનનું શું? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ પણ તેમના ખિસ્સામાંથી વળતર ચૂકવવુ જોઇએ. આ દુર્ઘટના માટે તેઓ પણ એટલા જ જવાબદાર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પણ ગેમિંગ ઝોનના સંચાલક જેટલી જ જવાબદારી ઠરે છે.

હાઇકોર્ટે રાજકોટ મનપાના કયા અધિકારીઓને જવાબદાર ઠરાવાયા છે તે અંગે પણ પૃચ્છા કરી હતી. જેને લઇ અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, સીટના રિપોર્ટ મુજબ, આ દુર્ઘટના માટે રાજકોટ મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસીસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસીસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર અને ફાયર બ્રિગેડ સહિતના દસ જેટલા અધિકારીઓને પોતાની ફરજમાં બેદરકારી બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેથી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ અધિકારીઓએ પોતાના ગજવામાથી વળતર આપવું જોઇએ કારણ કેઆ દુર્ઘટના માટે તેઓ જવાબદાર છે અને તેમાંથી તેઓ છટકી શકે નહી.

સરકાર તેમને બચાવવાનો ખોટો પ્રયાસ કરી ન શકે

રાજય સરકાર તરફ્થી મ્યુનિસિપલ કમિશનરોના બચાવનો પ્રયાસ કરતાં જણાવાયું હતું કે, મ્યુનિ.કમિ. દ્વારા ટાઉન પ્લાનીંગ ઓફ્સિરો અને ફાયરના અધિકારીઓને જવાબદારી સોંપાઇ હતી, તેથી ચીફ્ જસ્ટિસે વધુમાં મૌખિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, તેઓ નિર્દોષતાની દલીલ કરી શકતા નથી. ભલે તેઓ(તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો) સીધી રીતે જવાબદાર ના હોઇ શકે પરંતુ જે પ્રકારે રિપોર્ટમાં તેમને નિર્દોષ જાહેર કરાયા છે તે રીતે તેઓને મુકત કરી શકાય નહી.

કમિશનરોએ ટીઆરપી ઝોન તોડી પાડયું હોત તો કરુણાંતિકા સર્જાત નહીં

ચીફ્ જસ્ટિસે મૌખિક રીતે ટકોર કરતાં જણાવ્યું કે, રાજકોટ મનપાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોએ પ્રત્યેક પીડિત પરિવારોને અંગત રીતે પોતાના ખિસ્સામાંથી વળતર ચૂકવવું જોઇએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો જવાબદાર છે..કારણ કે, તેઓએ ટીઆરપી ગેમ ઝોનને તોડી પાડવાના આદેશનો અમલ કરાવ્યો ન હતો. જો તે સમયસર તોડી પડાયુ હોત તો આ કરુણાંતિકા સર્જાઇ ના હોત.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button