ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. કિવી ટીમ આ મેચ પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. હવે ટીમ ઈન્ડિયાનું ટેન્શન બમણું થવા લાગ્યું છે. એક તરફ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી, તો બીજી તરફ બીજા દિવસે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો. જે બાદ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ માટે બોલાવવામાં આવ્યો હતો. હવે બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતની ઈજા અંગે અપડેટ આપ્યું છે.
પંતની ઈજા પર રોહિતનું નિવેદન
બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રિષભ પંતની ઈજા વિશે બોલતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેના ઘૂંટણમાં સોજો છે. આ એ જ ઘૂંટણ છે જેના પર તેની સર્જરી થઈ હતી. અમે જોખમ લેવા માંગતા નથી. આશા છે કે તે આ મેચમાં વાપસી કરશે. એટલે કે વિકેટકીપિંગ દરમિયાન જાડેજાનો બોલ પંતના ઘૂંટણમાં વાગ્યો હતો જેની અકસ્માત બાદ સર્જરી કરવામાં આવી હતી.
ફિઝિયોએ મેદાનમાં કરી હતી તપાસ
37મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાનો એક ઝડપી બોલ સ્પિનિંગ બાદ પંતના ઘૂંટણમાં વાગ્યો. જે બાદ પંત અકળાઈને ચાલતો જોવા મળ્યો હતો. આ પછી પંત મેદાન પર સૂઈ ગયો, પછી ફિઝિયોએ આવીને તેની થોડી તપાસ કરી અને તેને બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું.
પંતનો થયો હતો ગંભીર અકસ્માત
ડિસેમ્બર 2022 માં, પંતને કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ પંત લગભગ દોઢ વર્ષ સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી સિરીઝ દરમિયાન પંતે લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી હતી, આ ટેસ્ટ સિરીઝમાં પંતે શાનદાર સદી ફટકારી હતી.