ભારતીય કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વની ભારતીય ખેલાડીઓની સાથે વિદેશી ખેલાડીઓએ પણ પ્રશંસા કરી છે. તેણે IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનની સાથે સાથે ભારતીય કેપ્ટન તરીકે ઘણી સફળતા હાંસલ કરી છે. તેની કેપ્ટનશીપમાં જ મુંબઈ 5 વખત IPL ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. IPLના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ આ વર્ષે દક્ષિણ આફ્રિકાને હરાવીને T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. મુંબઈની ટીમમાં સાથે રમતા અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ રોહિતને લઈને મોટો ખુલાસો કર્યો છે.
મુંબઇ તરફથી રમે છે પીયૂષ ચાવલા
પીયૂષ ગત સિઝનમાં મુંબઈ તરફથી રમ્યો હતો. આ સિઝન તેના માટે ખાસ હતી, જ્યાં તેણે 16 મેચમાં 22 વિકેટ લીધી હતી અને તે તે સિઝનમાં તે ચોથા સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ સ્પિનરે જણાવ્યું કે તે વર્ષે રોહિતે તેને દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નર સામેની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે રાત્રે 2.30 વાગ્યે તેના રૂમમાં બોલાવ્યો હતો.
રોહિતે રાત્રે 2.30 વાગ્યે ફોન કર્યો
પીયૂષ ચાવલાએ ખુલાસો કર્યો કે ‘મેં રોહિતની સાથે એટલું ક્રિકેટ રમ્યું છે કે અમે લાંબા સમય સુધી આરામથી વાત કરી શકીએ છીએ. અમે મેદાનની બહાર પણ વાત કરીએ છીએ. એકવાર રાત્રે 2.30 વાગ્યે તેણે મને મેસેજ કર્યોઅને પૂછ્યું કે શું હું જાગું છું. રોહિતે તેને રૂમમાં બોલાવ્યો હતો. ચાવલાએ કહ્યું કે રોહિતે કાગળ પર એક મેદાન દોર્યું અને મારી સાથે સંભવિત રીતે વોર્નરને આઉટ કરવા અંગે ચર્ચા કરી. પછી તે મારા તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે મેળવી શકે તે અંગે ચર્ચા થઈ.
CSK ટીમ ચેમ્પિયન બની હતી
તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ 2023 સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ હતી. જોકે, અમદાવાદમાં રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારતાં ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવીને પાંચમી વખત ટાઈટલ જીત્યું હતું. આ છેલ્લી સિઝન હતી જ્યારે રોહિત મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળતો હતો. આ વર્ષે ટીમે હાર્દિકને તેના સ્થાને કેપ્ટનશિપ સોંપી હતી.